News of Wednesday, 13th May 2026
અમદાવાદ સ્ટેડિયમમાં લાઈવ સટ્ટાબાજી ! : IPL ઓનલાઈન સટ્ટાબાજી સામે પોલીસની મોટી કાર્યવાહી:સ્ટેડિયમમાંથી એક સહિત બે આરોપીઓ ઝડપાયા
એક આરોપી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર બેસીને જ લાઈવ મેચ દરમિયાન સટ્ટો રમતા ઝડપાયો હતો.

અમદાવાદ પોલીસે મંગળવારે મોડી રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે અલગ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર બેસીને જ લાઈવ મેચ દરમિયાન સટ્ટો રમતા ઝડપાયો હતો.
ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL મેચ દરમિયાન સુરક્ષા તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન બ્લોક-K માં બેઠેલા શખસ પર પોલીસને શંકા ગઈ હતી.
આરોપીની ઓળખ ખેડા જિલ્લાના સેવાલિયાના 30 વર્ષીય તોસિફ પોરા તરીકે થઈ છે. આરોપી સીટ નંબર 40 પર બેસીને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સટ્ટો રમતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 25 હજારની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપીએ પંચમહાલના કમલકુમાર રમેશભાઈ પટેલ પાસેથી રૂ. 42 હજાર આપીને સટ્ટાબાજીની ID ખરીદી હતી.
બીજી તરફ Vastral વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનની ટીમે મળેલી બાતમીના આધારે રાત્રે દરોડો પાડી 27 વર્ષીય રોનકસિંહ બોડાણાની ધરપકડ કરી હતી. આરોપી “ALLPANEL247.COM” વેબસાઈટ દ્વારા લાઈવ IPL મેચો પર ઓનલાઈન સટ્ટો લગાવતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 20 હજારની કિંમતનો મોબાઈલ જપ્ત કરી ગુજરાત જુગાર ધારાની કલમ 12(A) હેઠળ ગુનો નોંધ્યો છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
