<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

જનજાતિય સમાજના અધિકારો, સ્વાભિમાન અને સાંસ્કૃતિક અસ્મિતાની રક્ષા માટે ભગવાન બિરસા મુંડાજીનું યોગદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે :તરુણ ચુઘજી

અરવલ્લી જિલ્લાના ખેરંચા ગામે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુઘજી :પવિત્ર યાત્રાધામ શ્રી શામળાજી મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી સમસ્ત દેશવાસીઓના સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલકામના કરતા તરુણ ચુઘજી

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતીના પાવન અવસરે આજે અરવલ્લી જિલ્લાના ખેરંચા ગામે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘજી ઉપસ્થિત રહી ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થયા હતાં.
આ પ્રસંગે તરુણ ચુઘજીએ ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય સાહસ, સંઘર્ષ, રાષ્ટ્રપ્રેમ અને સર્વોચ્ચ બલિદાનનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, જનજાતિય સમાજના અધિકારો, સ્વાભિમાન અને સાંસ્કૃક અસ્મિતાની રક્ષા માટે ભગવાન બિરસા મુંડાજીનું યોગદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
 ચુઘે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ હંમેશાં જનજાતિય સમાજના ગૌરવ, અધિકારો અને વિકાસને પ્રાથમિકતા આપી છે. ભગવાન બિરસા મુંડાજીના આદર્શોને આત્મસાત કરીને જનજાતિય સમાજને વિકાસની મુખ્યધારામાં વધુ મજબૂતીથી જોડવા તથા તેમની પરંપરા, સંસ્કૃતિ અને ઓળખનું ગૌરવ જળવાઈ રહે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું છે.
આ ઉજવણી માત્ર એક મહાન જનનાયકને યાદ કરવાનો પ્રસંગ નહીં, પરંતુ જનજાતિય સમાજના ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો અને તેમના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ બની રહી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પી. સી. બરંડા, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, ચુંટાયેલા જનપ્રતિનિધિ સહિત આગેવાનો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જનજાતિય સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત આજે પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીએ પવિત્ર યાત્રાધામ શ્રી શામળાજી મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી સમસ્ત દેશવાસીઓના સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલકામના કરી હતી. તેઓએ ભિલોડા સ્થિત પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે જિલ્લાના વરિષ્ઠ ભાજપા આગેવાનો, સાંસદો, ધારાસભ્યો તથા પૂર્વ હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક યોજી સંગઠનની મજબૂતી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી. 
સાથે જ તેમણે ગુજરાતની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી યોજનાઓથી તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનોની જાણકારી મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકાર સમાજના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત સંકલ્પબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

(9:46 PM IST)