News of Monday, 29th June 2026
ભગવાન જગન્નાથજીની તેમના મોસાળ સરસપુર ખાતે ભવ્ય પધરામણી :શોભાયાત્રામાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા:ભજન-કિર્તન અને 'જય જગન્નાથ'ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો:લોકપ્રિય ગાયક વિજય ભુવાજી સુવાળા પણ ઉપસ્થિત રહ્યા

ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ અમદાવાદની જગન્નાથ રથયાત્રા પૂર્વેની તૈયારીઓ હવે ચરમસીમાએ પહોંચી છે. 149મી ભવ્ય રથયાત્રાના મંગલાચરણ રૂપે આજે ભગવાન જગન્નાથજીની તેમના મોસાળ (સરસપુર) ખાતે ભવ્ય પધરામણી થઈ હતી. આ પ્રસંગે સરસપુરના આંબેડકર હૉલથી નીકળેલી શોભાયાત્રામાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું.
સરસપુરના આંબેડકર હૉલથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભજન-કિર્તન અને 'જય જગન્નાથ'ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ પવિત્ર અવસરે ગુજરાતના લોકપ્રિય ગાયક વિજય ભુવાજી સુવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ભક્તિગીતોની પ્રસ્તુતિ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભગવાનની એક ઝલક મેળવવા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
રથયાત્રાના મુખ્ય ઉત્સવ પહેલા આજે સાબરમતી નદીના ભૂદરના આરેથી ભવ્ય 'જળયાત્રા' પણ સંપન્ન થઈ હતી. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રાના રૂટ પર સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ અને વજ્ર વાહનો સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રથના પૈડાંના પૂજન અને નિર્માણ કાર્યની વિધિ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આમ, સમગ્ર અમદાવાદ શહેર હવે રથયાત્રાના રંગે રંગાઈ રહ્યું છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
