News of Saturday, 28th November 2026
વાઈબ્રન્ટ ગુજરાત પૂર્વે લોથલનું મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે વૈશ્વિક આકર્ષણ, ૫૦૦૦ વર્ષ જૂનો વારસો જીવંત થશે
૪૦૦ એકરમાં ૪૫૦૦ કરોડના ખર્ચે બની રહેલા કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, ચાર થીમ પાર્ક અને પ્રાચીન ડોકયાર્ડની પ્રતિકૃતિ બનશે મુખ્ય આકર્ષણ

લોથલ : જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ પૂર્વે અમદાવાદથી ૮૦ કિમી દૂર લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ગુજરાતને વૈશ્વિક પ્રવાસન અને રોકાણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે. ૪૦૦ એકરમાં ફેલાયેલો અને રૂ. ૪૫૦૦ કરોડના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ ભારતના ૫૦૦૦ વર્ષ જૂના દરિયાઈ વારસાની ઉજવણી કરશે, સાથે જ હોસ્પિટાલિટી, મનોરંજન અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણના નવા દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વિકસાવવામાં આવી રહેલો આ ડ્રીમ પ્રોજેક્ટ ભારત સરકારના સાગરમાલા કાર્યક્રમ હેઠળ બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ પામી રહ્યો છે. તેનો ઉદ્દેશ અદ્યતન ટેકનોલોજીને એજ્યુટેઇનમેન્ટ એટલે કે શિક્ષણ સાથે મનોરંજન સાથે જોડવાનો છે. આ કોમ્પ્લેક્સ દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને ભારતના ગૌરવશાળી દરિયાઈ અને નૌકાદળના ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. ભારતના સૌથી પ્રાચીન બંદરોમાંના એક લોથલનો પ્રાચીન વારસો અહીં આધુનિક ગુજરાતના પોર્ટ-આધારિત વિકાસ સાથે જોડાશે.
આ કોમ્પ્લેક્સમાં ૧૪ ગેલેરીઓ હશે, જે સિંધુ ખીણની સંસ્કૃતિના અગ્રણી નાવિકોથી લઈને આધુનિક ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની વીરતા સુધીની ભારતની દરિયાઈ સફરનું વર્ણન કરશે. અહીં અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૭૭ મીટર ઊંચું વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. હડપ્પન નગરના પુનઃનિર્માણના ભાગરૂપે મુલાકાતીઓ માટે વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડની પ્રતિકૃતિ પણ જીવંત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચાર થીમ પાર્ક, અંડર વોટર ગેલેરી, ઇકો-રિસોર્ટ્સ, વોટર રાઇડ્સ અને મરીન રિક્રિએશન સેન્ટર્સ પણ હશે.
આ ઉપરાંત અહીં કોસ્ટલ સ્ટેટ પેવેલિયન્સ ભારતના વિવિધ દરિયાકાંઠાના પ્રદેશોની સંસ્કૃતિ અને કલાનું પ્રદર્શન કરશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલો આ પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. ફેઝ-૧એ ની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને તેને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાં મેરીટાઈમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ હશે, જે દરિયાઈ ઉદ્યોગને ઊંડાણપૂર્વકનું સંશોધન અને અદ્યતન નિપુણતા પૂરી પાડશે.
આ પ્રોજેક્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. ૩૫ એમઓયુ કરવાના ઉદ્દેશ્ય સાથે જ્ઞાનના આદાન-પ્રદાન અને મ્યુઝિયમ ક્યુરેશનની કુશળતા માટે એનએમએચસી અને પોર્ટુગલ, વિયેતનામ, યુએઈ, થાઇલેન્ડ, ઓમાન, દક્ષિણ કોરિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ, ઇઝરાયેલ, જર્મની, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, સિંગાપોર સહિતના દેશો વચ્ચે ૧૩ એમઓયુ સફળતાપૂર્વક કરાયા છે. આ સહયોગ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા પ્રોત્સાહિત થતા વૈશ્વિક સહયોગને દર્શાવે છે.
એનએમએચસી આસપાસના વિસ્તારોમાં હોસ્પિટાલિટી, રોજગાર અને સ્થાનિક ગૃહ ઉદ્યોગોમાં નવી તકો લાવશે. એક અંદાજ મુજબ તે હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે, જે આ પ્રદેશના સાર્વત્રિક વિકાસને ટેકો આપશે. તે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ચાલતું ભારતનું પ્રથમ હેરિટેજ ટુરિઝમ સ્થળ પણ બનશે. ગુજરાતના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં પ્રવાસન અને દરિયાઈ વિકાસ સામેલ હોવાથી એનએમએચસી સમિટમાં આવનારા રોકાણકારોને ઇકો-રિસોર્ટ્સ અને હોસ્પિટાલિટીથી લઈને સ્થાનિક હસ્તકળા અને સેવાઓ સુધી હેરિટેજ ઇકોનોમીમાં રહેલી તકોની ઝલક પૂરી પાડશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
