<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મહાદેવ સટ્ટાકાંડઃ ગુજરાતના બૂકી ઓપરેટરો-ફાઈનાન્‍સરોની સંડોવણી

અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા અને કચ્‍છના મોટા ગજાના બૂકીઓ તથા હવાલા ઓપરેટરો CBIના રડાર પર

અમદાવાદ  તા.૧૮: મહાદેવ ઓનલાઈન બુક એટલે કે ક્રિકેટ સટ્ટાબેટિંગ સાથે જોડાયેલા રૂ. ૯૪ હજાર કરોડના કથિત કૌભાંડમાં CBI અને એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED)ની તપાસમાં ગુજરાત કનેક્‍શન સામે આવી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા અને કચ્‍છના મોટા ગજાના બૂકીઓ, ફાઈનાન્‍સરો અને હવાલા ઓપરેટરો તપાસ એજન્‍સીઓના રડાર પર આવ્‍યા છે. આગામી દિવસોમાં કેટલાક હવાલા અને પેનલ ઓપરેટરોની ધરપકડ થાય તેવી શક્‍યતા છે.

CBI તપાસમાં કસ્‍ટમર્સનો ડેટા, હવાલાની વિગતો, બેંક ટ્રાન્‍ઝેક્‍શન, કોલ ડિટેલ્‍સ અને ફાઈનાન્‍સરોની વિગતો સામે આવી છે. ગત અઠવાડિયે CBIએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત દેશનાં છ રાજ્‍યોનાં ૩૩ શહેરમાં દરોડા અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હવાલા ઓપરેટરો, આંગડિયા પેઢીઓ, ફાઈનાન્‍સરો અને સટ્ટાબેટિંૅગ સાથે સંકળાયેલા મોટા કસ્‍ટમરોના બેંક રેકોર્ડ મેળવવામાં આવ્‍યા હતા.તપાસમાં અંદાજે ૧,૦૦૦થી વધુ બેંક ખાતાં મારફતે ગુજરાતમાંથી મુંબઈ અને મુંબઈથી દિલ્‍હી સુધી કરોડો રૂપિયાના નાણાકીય વ્‍યવહારો થયા હોવાની વિગતો સામે આવી છે. આ વ્‍યવહારોમાં હવાલા નેટવર્ક અને આંગડિયા પેઢીઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન, સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં દુબઈમાં મહાદેવ એપની સક્‍સેસ પાર્ટી યોજાઈ હતી. આ જ પ્રસંગે મહાદેવ એપ સાથે સંકળાયેલી લાયન બુક એપનું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું. દુબઈની જાણીતી હોટલમાં યોજાયેલી આ પાર્ટીમાં ગુજરાત, મુંબઈ, દિલ્‍હી, રાજસ્‍થાન અને દક્ષિણ ભારતના સેલિબ્રિટી, સિગર્સ, ફાઈનાન્‍સરો અને મોટા બૂકીઓ હાજર રહ્યા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

આ આયોજનમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્‍પલની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી  છે. વર્ષ ૨૦૨૩માં સૌરભ ચંદ્રાકરની વેડિગ પાર્ટી યુએઈના રાસ અલ ખૈમાહ ખાતે યોજાઈ હતી. તેમાં અમદાવાદ, વડોદરા, પાટણ અને કચ્‍છના ફાઈનાન્‍સરો, બુકિગ ઓપરેટરો તથા હવાલા ઓપરેટરો ચાર્ટર્ડ પ્‍લેન મારફતે પહોંચ્‍યા હોવાની વિગતો સામે આવી છે.સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ની બેટિગ એપની લોન્‍ચિંગ પાર્ટી અને ફેબ્રુઆરી ૨૦૨૩ની વેડિગ પાર્ટી પાછળ ૩૦૦ કરોડનો ખર્ચ થયો હોવાની વિગતોની CBI તપાસ કરી રહી છે. આટલી મોટી રકમ ક્‍યાંથી આવી અને કોણે ફાઈનાન્‍સ કરી તેની તપાસ તેજ કરવામાં આવી છે.

(10:14 AM IST)