News of Saturday, 20th June 2026
વડોદરાના ગોત્રીના હરિનગર બ્રિજ નીચે પાણીની મુખ્ય લાઇન તૂટી, કામગીરી દરમિયાન થયેલા ભંગાણથી લાખો ગેલન પાણીનો થયો બરબાદ
બ્રિજ નીચે ચાલતી કામગીરી વખતે ભૂગર્ભ લાઇન ડેમેજ થતાં રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ; VMC દ્વારા સમારકામ હાથ ધરાયું, આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું

વડોદરા તા.૨૦ : શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા હરિનગર બ્રિજ નીચે ચાલતી વિકાસ કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી જવાની ઘટના બની છે. લાઇન તૂટતા જ લાખો ગેલન પાણી રોડ પર વહી જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચે ખોદકામની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ભૂગર્ભમાં પસાર થતી પાણીની મુખ્ય પાઇપલાઇન ડેમેજ થઈ ગઈ હતી. લાઇનમાં રહેલું હાઇ પ્રેશરનું પાણી ફુવારાની જેમ બહાર નીકળતા રોડ પર પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ઘટનાની જાણ થતા જ VMCની ફાયર અને વોટર વર્ક્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમ દ્વારા તાત્કાલિક લાઇનનો વાલ્વ બંધ કરીને પાણીનો પ્રવાહ રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ભંગાણને કારણે ગોત્રી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણને અસર થઈ છે.
સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નાગરિકોનું કહેવું છે કે ખોદકામ પહેલા ભૂગર્ભ લાઇનની જાણકારી લેવી જોઈએ, જેથી આવા બનાવો ટાળી શકાય. VMCના અધિકારીઓએ જણાવ્યું કે લાઇન રિપેર કર્યા બાદ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે અને આ પ્રકારની બેદરકારી ફરી ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
