News of Wednesday, 23rd September 2026
ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન : રાજ્યમાં ૬૩.૩૫ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં કરાવી નોંધણી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ એસ. રવિ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ડિજિટલ ઓળખના ફાયદાઓ વર્ણવ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (DAM) ના અમલીકરણને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જબરદસ્ત વેગ મળ્યો છે. રાજ્યમાં કૃષિ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી ફાર્મર રજિસ્ટ્રી પહેલ હેઠળ અત્યાર સુધીમાં ૬૩.૩૫ લાખથી વધુ ખેડૂતોએ સફળતાપૂર્વક નોંધણી કરાવી દીધી છે. આ પદ્ધતિથી ખેડૂતોને એક વિશ્વસનીય ડિજિટલ ઓળખ આપવાની સાથે તેમના જમીનના દસ્તાવેજો અને સરકારી કૃષિ સેવાઓની પહોંચને એક સંકલિત પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી રહી છે.
આધાર આધારિત યુનિક ફાર્મર આઈડીથી સેવાઓ સરળ બનશે:
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ એસ. રવિ (IAS) એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ નવી વ્યવસ્થામાં ખેડૂતની આધાર આધારિત ઓળખને જમીનના રેકોર્ડ સાથે સીધી સાંકળવામાં આવે છે. ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને ‘યુનિક ફાર્મર આઈડી’ (Unique Farmer ID) આપવામાં આવે છે. આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતો હવે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મેળવી શકશે. આ પહેલ માત્ર નોંધણી પૂરતી સીમિત ન રહેતા ખેડૂતો અને સરકારી યોજનાઓ વચ્ચેના સંબંધને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવશે.
દસ્તાવેજોની વારંવારની ચકાસણીમાંથી મુક્તિ:
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અગાઉ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને પોતાની વ્યક્તિગત વિગતો, જમીન સંબંધિત માહિતી અને પાત્રતા અંગેના દસ્તાવેજો વારંવાર રજૂ કરવા પડતા હતા. ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય હેતુ એક જ સામાન્ય ડિજિટલ ઓળખ ઊભી કરીને આ એકની એક પ્રક્રિયાનું પુનરાવર્તન ઘટાડવાનો છે. એકવાર નોંધણી અને મંજૂરી થઈ ગયા બાદ ખેડૂતની ઓળખ અને જમીનના રેકોર્ડનું ડિજિટલ એકીકરણ થઈ જાય છે, જેનાથી એક વિશ્વસનીય પ્રોફાઈલ તૈયાર થાય છે. આનાથી લાભાર્થીની ઓળખ અને સરકારી સહાયની પહોંચમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે.
નોંધણીની પ્રક્રિયા અને સુવિધા:
ફાર્મર આઈડી માટેની નોંધણી પ્રક્રિયા અત્યંત સરળ અને ખેડૂતલક્ષી રાખવામાં આવી છે. ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા અથવા સેવા કેન્દ્રોની મદદથી નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયામાં આધાર ચકાસણી (Authentication) બાદ જમીન સંબંધિત વિગતોની ખરાઈ કરીને યુનિક ફાર્મર આઈડી જનરેટ કરાય છે. જો નોંધણી વખતે કોઈ સર્વે નંબર રહી જાય, તો ‘અપડેટ ફાર્મર રિક્વેસ્ટ’ (UFR) સુવિધા દ્વારા તેને પાછળથી પણ ઉમેરી શકાય છે.
એક નોંધણીથી મળશે અનેક યોજનાઓના લાભ:
ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી થવાથી PM-KISAN, મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) / પ્રાઈસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળની સરકારી ખરીદી, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને કૃષિ ધિરાણ જેવી યોજનાઓમાં ચકાસણી સરળ બનશે. આ ઉપરાંત વિવિધ સબસિડીઓ, કૃષિ સહાય અને ડિજિટલ કૃષિ સેવાઓ પહોંચાડવામાં આ વ્યવસ્થા મદદરૂપ થશે.
ભવિષ્યમાં AI અને ડિજિટલ ક્રોપ સર્વેનો મળશે લાભ:
આગામી સમયમાં આ માળખું વધુ વિસ્તરતાં ડિજિટલ ક્રોપ સર્વે, બિયારણ-ખાતર જેવા કૃષિ ઇનપુટ્સ, સરકારી ખરીદી અને ધિરાણ સેવાઓનું પણ આઈડી સાથે એકીકરણ થશે. જમીનના કદ અને પાકની માહિતીના આધારે વધુ લક્ષિત સહાય પહોંચાડી શકાશે તેમજ લાંબા ગાળે વ્યક્તિગત જરૂરિયાત મુજબ કૃષિ સલાહ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સેવાઓ માટે માર્ગ મોકળો થશે.
નોંધણી માટેના માધ્યમો:
ખેડૂતો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીના અધિકૃત પોર્ટલ gjfr.agristack.gov.in અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘Farmer Registry Gujarat’ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્વયં નોંધણી કરી શકે છે. આ ઉપરાંત ગામની ગ્રામ પંચાયત કચેરી (VCE), ગ્રામ સેવક અથવા CSC કેન્દ્રોની મુલાકાત લઈને પણ સહાયતાથી નોંધણી કરાવી શકાય છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
