તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 31st July 2026
TAT ઉચ્ચત્તર માધ્યમિક મુખ્ય પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર: ભારે વરસાદની આગાહીને કારણે બોર્ડે પરીક્ષા પાછી ઠેલી, હવે આ દિવસે લેવાશે પરીક્ષા!
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા; શું ફરીથી ડાઉનલોડ કરવી પડશે હોલ ટિકિટ? જાણો તમામ વિગતો.

ગાંધીનગર : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી - ઉચ્ચત્તર માધ્યમિક (TAT-HS Mains Exam 2026) ની મુખ્ય પરીક્ષાને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી, ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને રાજ્ય સરકારના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષાની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે.
અગાઉથી નક્કી કરેલા શિડ્યુલ મુજબ, TAT-HS ની મુખ્ય પરીક્ષા તારીખ 2 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનાર હતી. પરંતુ હવે આ પરીક્ષા આવતા અઠવાડિયે 8 ઓગસ્ટ 2026 (શનિવાર) ના રોજ યોજવામાં આવશે. રાજ્યભરના હજારો ઉમેદવારો ભારે વરસાદના કારણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી આ સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.
ઉમેદવારો માટે બોર્ડની મહત્વપૂર્ણ સ્પષ્ટતા:
· હોલ ટિકિટ: ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે નહીં.
· પરીક્ષા કેન્દ્ર અને સમય: અગાઉ મેળવેલી જૂની હોલ ટિકિટમાં દર્શાવેલા પરીક્ષા કેન્દ્ર અને નિર્ધારિત સમય મુજબ જ 8 ઓગસ્ટના રોજ પરીક્ષા આપવાની રહેશે.
· નિયમો: પરીક્ષા સંબંધિત અન્ય તમામ જોગવાઈઓ અને માર્ગદર્શિકા યથાવત રહેશે.
રાજ્ય પરીક્ષા બોર્ડે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત કોઈ પણ તાજી માહિતી અથવા અપડેટ્સ માટે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.sebexam.org ની સતત મુલાકાત લેવાની સલાહ આપી છે. તારીખ લંબાવાના નિર્ણયથી ઉમેદવારોને તૈયારી માટે વધારાનો સમય મળવાની સાથે સાથે મુસાફરીની ચિંતામાંથી પણ મુક્તિ મળી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
