<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગોધરાના સિમલા વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડની આડમાં ચાલતા વાહન ચોરી- છેતરપીંડીના મોટા કૌભાંડનો પર્દાફાશ

ગેસ કટરથી ચેસીસ નંબર બદલી આચરાતી છેતરપિંડી: સ્થળ પરથી 31 નકલી ચેસીસ અને 34 નંબર પ્લેટ જપ્ત: 10 લાખની કિંમતની 4 ચોરીની ઇક્કો કાર રિકવર:મુખ્ય આરોપી વસીમ સમોલની ધરપકડ: અન્યની શોધખોળ

પંચમહાલ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે વાહન ચોરી અને છેતરપિંડીના એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જોઈને તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલા 'ઉષ્માની સ્ક્રેપ' નામના વાડામાં પોલીસ દ્વારા ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન વાહનોના ચેસીસ નંબર બદલીને ચોરીની ગાડીઓને કાયદેસર બનાવવાનું નેટવર્ક સામે આવ્યું છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અકસ્માતગ્રસ્ત કે ભંગાર થઈ ગયેલી ગાડીઓના ચેસીસ નંબર કાપી લેતા હતા. ત્યારબાદ, ચોરી કરેલી નવીનતમ ગાડીઓ પર ગેસ કટરની મદદથી આ જૂના ચેસીસ નંબર લગાવી દેવામાં આવતા હતા. આ રીતે ચોરીના વાહનોને નવી ઓળખ આપી બજારમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવતા હતા. પોલીસને સ્થળ પરથી 31 જેટલા કપાયેલા નકલી ચેસીસ નંબર મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ કેટલું મોટું હશે.

આ ઓપરેશન દરમિયાન SOG ટીમે 16 જેટલી આરસી બુક અને 34 નંબર પ્લેટો પણ જપ્ત કરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર વસીમ સમોલની ધરપકડ કરી છે. ઘટનાસ્થળેથી આશરે 10 લાખની કિંમતની 4 ઇક્કો કાર રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ ચોરીના વાહનો ક્યાં સપ્લાય કરવામાં આવતા હતા તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.

(10:52 PM IST)