<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ધોળાકુવામાં ગાંજાના વેચાણનો પર્દાફાશ: ઈન્ફોસિટી પોલીસે 3.14 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો, બે વોન્ટેડ

ઠાકોરવાસના મકાન પર FSL સાથે દરોડામાં કુલ ₹1.62 લાખનો મુદ્દામાલ જપ્ત; ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન ઠાકોરના ભત્રીજા હોવાનું ખુલ્યું

ગાંધીનગર : ગાંધીનગરના ધોળાકુવા ગામે ઠાકોરવાસ વિસ્તારમાં ગાંજાના વેચાણના નેટવર્કનો ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરીને 22 વર્ષીય અમિત વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે અનિલ ઉર્ફે પિન્ટુ નાથાજી ઠાકોર અને નિકુલ નાથાજી ઠાકોરને વોન્ટેડ જાહેર કરાયા છે. બાતમીના આધારે પોલીસ અને FSL ટીમે ઠાકોરવાસ સ્થિત મકાન નંબર 284 પર દરોડો પાડી 3 કિલો 141 ગ્રામ ગાંજો સહિત કુલ ₹1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસ મુજબ ધોળાકુવાના ઠાકોરવાસમાં રહેતા આ ત્રણેય આરોપીઓ પોતાના મકાનમાં ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવીને વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી, જેના પગલે FSL અધિકારીની હાજરીમાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

મકાનમાં તપાસ દરમિયાન લીલા રંગના પીપમાંથી વાદળી અને કાળા રંગનો 'સફારી' થેલો મળ્યો હતો, જેમાંથી ખાખી ટેપ વીંટેલું પ્લાસ્ટિક અને 5 પડીકીમાં ભરેલો માદક પદાર્થ મળી આવતા FSL પરીક્ષણમાં તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું, જેની કિંમત આશરે ₹1.57 લાખ આંકવામાં આવી છે.

ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે આઈફોન અને નાથાજી જવાનજી ઠાકોરના નામે મકાન નંબર 284ના ઈલેક્ટ્રિકલ બિલ સહિત કુલ ₹1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી અમિતની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ત્રણેય આરોપીઓ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન હેમતાજી ઠાકોરના ભત્રીજા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે અમિતે પૂછપરછમાં અનિલ અને નિકુલ તેના મોટાબાપાના દીકરા હોવાનું અને ગાંજો ક્યાંથી લાવતા હતા તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું.

હવે ફરાર આરોપીઓ અનિલ ઉર્ફે પિન્ટુ અને નિકુલની ધરપકડ, ગાંજાના સપ્લાય નેટવર્કની કડીઓ મેળવવા અને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવતી વિગતો પર પોલીસની કાર્યવાહી આગળ વધશે.

(6:53 PM IST)