<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરતમાં જળબંબાકાર બાદ મેગા ઓપરેશન:વિવિધ 430 સ્થળોએથી 111 કરોડ લિટરથી વધુ પાણીનો નિકાલ:બેઝમેન્ટમાંથી જ ઉલેચાયું 100 કરોડ લિટર પાણી

સુરત મહાનગરપાલિકાએ હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગની મદદથી મોટા પાયે ડી-વોટરિંગ અભિયાન શરૂ: સતત 24 કલાક કામગીરી કરીને શહેરને ઝડપથી જળમુક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

સુરતમાં ભારે વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનમાં ખાડીપૂરના કારણે રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ઓસર્યા બાદ પણ અનેક સોસાયટીઓ અને બિલ્ડિંગોના બેઝમેન્ટમાં કરોડો લિટર પાણી ભરાયેલું રહેતાં લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાએ હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગની મદદથી મોટા પાયે ડી-વોટરિંગ અભિયાન શરૂ કર્યું. સતત 24 કલાક કામગીરી કરીને શહેરને ઝડપથી જળમુક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા 

મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં કુલ 430 સ્થળોએ પાણી ભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી હતી. તેમાં 117 જાહેર સ્થળો અને મુખ્ય રસ્તાઓ, 192 રહેણાંક સોસાયટીઓ તેમજ 102 રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ 248 હેવી હાઇ-પ્રેશર પમ્પ અને અદ્યતન ડી-વોટરિંગ મશીનરી તૈનાત કરવામાં આવી હતી. એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફે સતત 24 કલાક કામગીરી કરીને કુલ 111.14 કરોડ લિટર પાણીનો નિકાલ કર્યો હતો. મનપાના અંદાજ મુજબ આ પાણીનો જથ્થો લગભગ 10 હજાર લિટરની ક્ષમતા ધરાવતા 1,11,140 ટેન્કર જેટલો થાય છે, જે કામગીરીના વિશાળ પ્રમાણને દર્શાવે છે.

આ સમગ્ર કામગીરીમાં સૌથી મોટો પડકાર રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો હતો. બેઝમેન્ટમાં પાણી કુદરતી રીતે બહાર નીકળી શકતું ન હોવાથી વિશેષ સક્શન મશીનો અને હેવી પમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો. મનપાએ માત્ર બેઝમેન્ટ વિસ્તારોમાંથી જ 100.68 કરોડ લિટર પાણી બહાર કાઢ્યું. અધિકારીઓના જણાવ્યા મુજબ જો સમયસર પાણીનો નિકાલ ન કરવામાં આવ્યો હોત તો બિલ્ડિંગોના પાયાને નુકસાન થવાની સાથે વીજળીની વ્યવસ્થા ખોરવાઈ જવાની અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધી શક્યો હોત.

પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોન ખાડીપૂરના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. મનપાની ટીમોએ પ્રાથમિકતા આધારે આ વિસ્તારોમાં કામગીરી હાથ ધરી અને પાણી ભરાયેલા વિસ્તારોને ઝડપથી જળમુક્ત કર્યા. સતત મોનિટરિંગ અને આધુનિક મશીનરીના ઉપયોગથી મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનો સંપૂર્ણ નિકાલ કરવામાં સફળતા મળી છે. હાલમાં શહેરના મોટા ભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બની રહી છે અને મનપા દ્વારા સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ તથા આરોગ્ય સંબંધિત જરૂરી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ રોગચાળો ફેલાય નહીં.

(8:34 PM IST)