<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

મેઘાલય વિધાનસભાની અંદાજ સમિતિનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે : બજેટના યોગ્ય ઉપયોગ અને સંસદીય કાર્યપદ્ધતિ અંગે ચર્ચા

અધ્યક્ષ માયરાલબોર્ન સિયેમ સહિત 3 સભ્યો અને 3 અધિકારીઓનું ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત : ગુજરાત અંદાજ સમિતિએ અત્યાર સુધીમાં 194 અહેવાલ રજૂ કર્યા : શિક્ષણ અને આરોગ્ય મેઘાલયની પ્રાથમિકતા

ગાંધીનગર તા.23 : મેઘાલય વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ માયરાલબોર્ન સિયેમ સહિત કુલ 3 સભ્યો અને 3 ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડો. સી. જે. ચાવડા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડો. સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે ધારાસભાની નાણાકીય સમીક્ષા પ્રક્રિયામાં અંદાજ સમિતિની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ, યોજનાઓનું કાર્યક્ષમ અમલીકરણ અને વહીવટમાં પારદર્શિતા લાવવી એ સમિતિનો મુખ્ય હેતુ છે. 15 સભ્યોની આ સમિતિએ અત્યાર સુધીમાં 194 અહેવાલો રજૂ કર્યા છે, જ્યારે વર્તમાન 15મી વિધાનસભા દરમિયાન વિવિધ વિભાગોની સમીક્ષા કરી 8 મહત્વના અહેવાલો ગૃહમાં રજૂ કરાયા છે. બજેટ ગ્રાન્ટનો પૂર્ણ ઉપયોગ થાય અને યોજનાઓના પાત્રતાના નિયમો સરળ બનાવી વધુમાં વધુ નાગરિકોને લાભ મળે તે દિશામાં સમિતિ સતત કાર્યરત છે.

 

તેમણે ઉમેર્યું કે અલગ ભૌગોલિક અને સામાજિક પરિવેશ હોવા છતાં ગુજરાત અને મેઘાલય બંને રાજ્યો સુશાસન માટે કટિબદ્ધ છે. આ મુલાકાતથી બંને રાજ્યોને ઉત્કૃષ્ટ સંસદીય કાર્યપદ્ધતિઓ અને અનુભવોની આપ-લે કરવાનો શ્રેષ્ઠ અવસર મળ્યો છે.

 

મેઘાલય વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ માયરાલબોર્ન સિયેમે ગુજરાત ખાતેની બેઠકમાં જણાવ્યું હતું કે મેઘાલય સરકાર હાલ શિક્ષણ, આરોગ્ય, માર્ગ કનેક્ટિવિટી અને પ્રવાસન જેવા ચાર મુખ્ય ક્ષેત્રોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકી રહી છે. બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળની વિશેષ જમીન પ્રણાલી અને પહાડી ભૌગોલિક પરિસ્થિતિઓ હોવા છતાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના નાણાંનો મહત્તમ લાભ પ્રજા સુધી પહોંચે તે માટે તેમની સમિતિ નિષ્ઠાપૂર્વક સમીક્ષા કરી રહી છે.

 

સિયેમે ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડો. સી. જે. ચાવડા સહિત તમામ સભ્યો અને અધિકારીઓને મેઘાલયના મનોરમ હવામાન, કુદરતી સૌંદર્ય અને વિશિષ્ટ સંસ્કૃતિનો રૂબરૂ અનુભવ કરવા માટે મેઘાલય આવવાનું સ્નેહભર્યું નિમંત્રણ પણ આપ્યું હતું.

 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ અને મેઘાલય વિધાનસભાની અંદાજ સમિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ આંતર સંસદીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બંને રાજ્યોની વિધાનસભાઓની સંસદીય કાર્યપ્રણાલી, અંદાજ સમિતિની કામગીરી અને લોકશાહી મૂલ્યોને સુદ્રઢ બનાવવા અંગે સઘન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે મેઘાલયથી આવેલા સમિતિના તમામ સભ્યોને ગુજરાત અંદાજ સમિતિના પુસ્તક સપ્રેમ ભેટ આપી હતી અને ગુજરાત વિધાનસભાની વેબસાઈટ તેમજ તેની આધુનિક કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા.

 

આ ઉપરાંત વિધાનસભા મુલાકાત દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્રની કામગીરી, મંત્રીઓ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ વિશે વિધાનસભાના અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે મેઘાલય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યોમાં રેનિકટોન તોંગખાર, ગેબ્રિયલ વાહલાંગ, રેમિંગ્ટન મોમિન, મેઘાલય વિધાનસભા અંદાજ સમિતિના અધિકારીઓમાં લીલી લકિયાંગ, ઇબાનિલા ચાઇન, રીબાલિન ખારપ્રાન તેમજ ગુજરાત વિધાનસભાના અંદાજ સમિતિમાંથી સભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા, અમુલ ભટ્ટ, સમિતિ સચિવ ડો. હર્ષિલ પટેલ, ઉપસચિવ નિરજ ગામીત સહિત શાખાના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(4:19 PM IST)