<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ગુજરાતમાં ૧૧ સપ્ટેમ્બર સુધી મેઘરાજા લંબાવશે વિરામ: જાણો ક્યાં પડશે માત્ર હળવા ઝાપટાં

​હવામાન વિભાગની આગાહી: ભારે વરસાદનું કોઈ એલર્ટ નહીં, વાદળો હટતાં ઉકળાટ અને ગરમી વધશે

અમદાવાદ: રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ધોધમાર કે અતિભારે વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ (IMD)ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી ૧૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદનું કોઈ જ એલર્ટ આપવામાં આવ્યું નથી. આ સમયગાળા દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા વિરામ લેશે અને માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
​
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના ભાગોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
​
વરસાદનું જોર ઘટતાં અને વાદળો હટતાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં આંશિક વધારો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને બફારા અને ગરમીનો સામનો કરવો પડી શકે છે. સિઝનનો મોટાભાગનો વરસાદ વરસી ચૂક્યો હોવાથી હાલ પૂરતી કોઈ નવી સક્રિય વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી નથી.

(11:59 AM IST)