તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Saturday, 25th July 2026
મેઘરાજા હજુ નહીં લે વિરામ! પરેશ ગોસ્વામીની ધમાકેદાર આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારેથી અતિભારે
દક્ષિણ રાજસ્થાનમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદની શક્યતા, 31 જુલાઈ સુધી મેઘમહેર જારી રહેશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા બારે મેઘ ખાંગા કરીને વરસી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુ એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 24 થી 36 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે.
હવામાનની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ અરબ સાગર અને બંગાળની ખાડી—બંને ખૂબ જ સક્રિય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને હાલ દક્ષિણ રાજસ્થાન પર સ્થિર થઈ છે. આ સિસ્ટમનો શીયર ઝોન ગુજરાત પરથી થઈને અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યમાં વિરામ વગર ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. 36 કલાક બાદ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે, છતાં 31 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી રાઉન્ડ ચાલુ જ રહેશે.
ચાલુ વરસાદી સીઝન અંગે તેમણે ઉમેર્યું કે, હાલના રાઉન્ડમાં ગુજરાતના આશરે 95 ટકા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. માત્ર દ્વારકા, પોરબંદર અને દાહોદ જેવા 5 ટકા વિસ્તારોમાં જ ઓછો વરસાદ છે. વધુમાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ બંગાળની ખાડીમાં આવી નવી સિસ્ટમો બનીને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે, જેનાથી ઓગસ્ટમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે.
શહેરોમાં સર્જાતા જળબંબાકાર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે કલાકના 3.5 ઈંચ કરતાં વધુ વરસાદ સતત 2 થી 5 કલાક સુધી પડે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. વલસાડ, વાપી, સુરત અને અમદાવાદ જેવા મેગા સિટીઝમાં અંધાધૂંધ કન્સ્ટ્રક્શન અને ડ્રેનેજ સિસ્ટમ પરના દબાણને કારણે પાણીનો ત્વરિત નિકાલ ન થતાં શહેરો જળમગ્ન બની જાય છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
