<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ગુજરાતમાં મેઘમહેરનો મંડાયો માહોલ : 13થી 17 સપ્ટેમ્બર સુધી વરસાદનો જોરદાર રાઉન્ડ, 70 ટકા ગુજરાતને લાભની આશા : બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી : વેધર એનાલિસ્ટ વિષ્ણુરાજસિંહ એમ. સીસોદીયા

દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ, દક્ષિણ-મધ્ય સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ અને દક્ષિણ કચ્છમાં 6થી 8 ઈંચ સુધી વરસાદની સંભાવના

રાજકોટ : છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની અસરથી 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વેધર એનાલિસ્ટ વિષ્ણુરાજસિંહ એમ. સીસોદીયા, કેશોદના જણાવ્યા મુજબ હાલના તમામ પરિબળો અને હવામાન મોડલના પ્રિડિક્શનને જોતા આ રાઉન્ડમાં સારા વરસાદની પૂરી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5થી 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
કચ્છમાં ખાસ કરીને દક્ષિણ કચ્છમાં 6થી 8 ઈંચ સુધી ભારે વરસાદ, જ્યારે કચ્છના અન્ય વિસ્તારોમાં આશરે 5 ઈંચ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં 4થી 6 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં 3થી 6 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મોન્સૂન ધરી ઉત્તર ગુજરાત ઉપર સ્થિર થાય તો ઉત્તર ગુજરાતને પણ સારા વરસાદનો લાભ મળી શકે છે.
વેધર એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે 850 hPa સ્તરે 30થી 40 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ, અરબી સમુદ્રમાંથી સારા પ્રમાણમાં ભેજ, તેમજ 700 અને 500 hPa સ્તરે અનુકૂળ ભેજ અને વિન્ડ કન્વર્જન્સ જોવા મળે તો વરસાદનું પ્રમાણ વધુ વધી શકે છે. લો-પ્રેશર સિસ્ટમ મજબૂત રહે તો આગાહી કરતાં પણ વધુ વરસાદ થવાની સંભાવના છે.
આ વરસાદી રાઉન્ડથી ગુજરાતના અનેક વિસ્તારોને મોટો લાભ મળવાની આશા છે. સારો વરસાદ થાય તો ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની સાથે શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની અછત પણ દૂર થવામાં મદદ મળી શકે છે. સમગ્ર રાઉન્ડથી આશરે 70 ટકા ગુજરાતને લાભ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાનની સ્થિતિમાં ફેરફાર થશે તો આગામી દિવસોમાં વધુ અપડેટ આપવામાં આવશે.

(6:29 PM IST)