<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મધ્ય ગુજરાત માં મેઘમહેર : છોટાઉદેપુરમાં ભારે વરસાદ: કરજણ ડેમના 5 દરવાજા ખોલાયા: ડાયવર્ઝન ધોવાતાં અનેક ગામોના સંપર્ક તૂટ્યા

આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો: ધસમસતા પૂરના કારણે અનેક નદી-નાળા બે કાંઠે વહેતાં રસ્તાઓ અને ડાયવર્ઝન ધોવાઈ જતાં જનજીવન પ્રભાવિત

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારો સહિત છોટાઉદેપુર પંથકમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી જળાશયોમાં ઘટતી જળસપાટીથી ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ વરસાદ ભારે આશારૂપ બનીને આવ્યો છે. એક તરફ જળાશયોમાં નવા નીરની આવક થતાં જળસંકટ ટળ્યું છે, તો બીજી તરફ ધસમસતા પૂરના કારણે અનેક નદી-નાળા બે કાંઠે વહેતાં રસ્તાઓ અને ડાયવર્ઝન ધોવાઈ જતાં જનજીવન પ્રભાવિત પણ થયું છે.

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે પણ સતત વરસી રહેલા વરસાદથી શહેરની જીવાદોરી સમાન જળાશયોમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે.

આજવા સરોવર: માત્ર 3 કલાકના ગાળામાં આજવા સરોવરની જળસપાટી 207.85 ફૂટથી વધીને 207.88 ફૂટ નોંધાઈ છે.

વિશ્વામિત્રી નદી: 7 કલાકના સમયગાળા દરમિયાન વિશ્વામિત્રીની સપાટી 5.29 ફૂટથી સીધી વધીને 8.21 ફૂટ સુધી પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લાના જીતગઢ સ્થિત કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમનું રૂલ લેવલ (106.31 મીટર) જાળવી રાખવા વહીવટી તંત્રે મોટો નિર્ણય લીધો હતો.

બપોરે તબક્કાવાર રીતે કરજણ ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

હાલ કરજણ નદીમાં 43,110 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નદીપટમાં પાણીનો પ્રવાહ વધતાં નીચાણવાળા વિસ્તારો જેવા કે રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામોના લોકોને નદીકિનારે ન જવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

સંખેડા તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદીના બોબેડ કોતરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કોતરનું પાણી છલિયા પર ફરી વળતાં કંટેશ્વર અને કાળી તલાવડી ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

રસ્તો બંધ થઈ જતાં શાળાએ જતા નાના બાળકો, ખેડૂતો અને દૂધ મંડળીએ દૂધ ભરાવવા જતા ગ્રામજનો અટવાઈ પડ્યા છે. ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.

જાંબુઘોડા પંથકમાં સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન જ 3 ઇંચ વરસાદ તૂટી પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

જાંબુઘોડા-બોડેલી નેશનલ હાઈવે પર ખાખરિયા નજીક બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી બનાવાયેલું કાચું ડાયવર્ઝન પાણીના તીવ્ર પ્રવાહમાં ગરકાવ થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે તાકીદે કામગીરી હાથ ધરીને 95% પૂર્ણ થઈ ગયેલા નવા બ્રિજ પર રેતીની થેલીઓ ગોઠવીને સુરક્ષિત રીતે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નદીઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.

નસવાડી: ઉપરવાસમાં ભારે વરસાદથી અશ્વિન નદી બે કાંઠે વહેતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. જોકે, કુકાવટી ગામ પાસે નવા બ્રિજ માટે કરાયેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં આસપાસના ગામના લોકોને 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી છે.

બોડેલી: બોડેલીમાં સતત વરસાદથી મેરીયા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. બોડેલી મેરીયા બ્રિજ નીચે ભારે વાહનો માટે બનાવાયેલું 'જનતા ડાઇવર્ઝન' પૂરના પાણીમાં તણાઈ જતાં મોટા વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હોવાથી જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ નદી-નાળા અને સંવેદનશીલ વિસ્તારો પર 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(12:32 AM IST)