<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર :હિંમતનગર, ઈડર અને વિજયનગર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ

લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે વાવણી નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. તેવામાં આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો

સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર થઇ છે,જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ વિધિવત રીતે પોતાની હાજરી પુરાવી છે. હિંમતનગર, ઈડર અને વિજયનગર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અમીછાંટણા થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.

 

ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મૂડેટી, ઢીંચણિયા, સૂર્યનગર કંપા, ઈશ્વરપુરા, પાંચ ગામડા અને તખતગઢ કંપા સહિતના આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, વિજયનગર તાલુકાના ભોખરા, ઝેરવદરી, કણાદર અને ખેરવાડા પંથકમાં પણ નોંધપાત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે. જિલ્લા મથક હિંમતનગર સહિત આસપાસના ગાંભોઈ, રાયગઢ, તખતગઢ, ગઢોડા અને હિંમતપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ આહલાદક બની ગયું છે.

 

ચાલુ વર્ષે ચોમાસું પાકની વાવણી કરી દીધા બાદ ખેડૂતો વરસાદની તાતી જરૂરિયાત અનુભવી રહ્યા હતા. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે વાવણી નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. તેવામાં આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.

 

કૃષિ નિષ્ણાતો અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વરસાદને કારણે મુખ્ય ચોમાસું પાક જેવા કે મગફળી અને કપાસને બહુ મોટો ફાયદો થશે. આ ઉપરાંત પંથકમાં મોટા પાયે થતા શાકભાજીના પાક માટે પણ આ વરસાદી પાણી અમૃત સમાન સાબિત થશે, જેથી પાકનો ઉતારો સારો આવવાની આશા જાગી છે. આમ, સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાના આગમનથી મુરઝાતી ખેતીને નવું જીવનદાન મળ્યું છે અને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

(7:01 PM IST)