News of Saturday, 25th July 2026
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રાજ્યના 9 તાલુકામાં મોસમનો 100%થી વધુ વરસાદ ખાબક્યો, હજુ પણ ભારે વરસાદની ચેતવણી!
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 76.39% વરસાદ નોંધાયો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પૂરી શક્યતા

અમદાવાદ : ગુજરાતભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ વિરામ વગરના સાર્વત્રિક વરસાદે સમગ્ર રાજ્યને ભીંજવી દીધું છે. મેઘરાજાની તોફાની બેટિંગને કારણે વાતાવરણમાં શાનદાર ઠંડક પ્રસરી ગઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના તાજા આંકડા મુજબ રાજ્યમાં મોસમનો સરેરાશ 52.03 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 76.39 ટકા વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની સીઝનમાં રાજ્યના 9 તાલુકાઓએ તો પોતાની વાર્ષિક સરેરાશનો 100 ટકાથી વધુ વરસાદ વટાવી દીધો છે!
વરસાદની તોફાની બેટિંગની વાત કરીએ તો, વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 125.32 ટકા, પલસાણામાં 118.78 ટકા, નવસારીના ચીખલીમાં 114.02 ટકા, સુરતના અંબિકામાં 112.16 ટકા, અને જૂનાગઢના માંગરોળમાં 107.49 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ સિવાય ખેરગામ, કામરેજ, મહેમદાબાદ અને પાટણના સાંતલપુરમાં પણ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ વલસાડ, પારડી, વાલોડ, જોટાણા, વિરમગામ અને સુરત જેવા તાલુકાઓ પણ 90 ટકાથી વધુ વરસાદ સાથે 100 ટકાની નજીક પહોંચી ગયા છે. જોકે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં હજુ પણ મોસમનો ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ પૂર્ણ તાકાતથી સક્રિય છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 26 અને 27 જુલાઈ સુધી વરસાદી માહોલ જામી રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધારથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેશે. ઉપરવાસ અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થશે, જેથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઝડપથી વધારો નોંધાશે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવાની એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
