<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો, છતાં રાજ્યના ૭૦ ડેમમાં ૨૫ ટકાથી પણ ઓછો જળસંગ્રહ!

નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હવામાન વિભાગનું યલો એલર્ટ; રાજ્યના ૪૧ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ પાણીની તંગી.

અમદાવાદ: હવામાન વિભાગ અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી, તાપી, ડાંગ, દમણ અને વલસાડ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૩.૮૬ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, છતાં પણ વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહને લઈને વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

વરસાદી આંકડાઓની સરખામણી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૦.૬૭ ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર ૨૯.૧૩ ટકા વરસાદ નોંધાયા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ ૫૫.૯૪ ટકા વરસાદ જ થયો છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૨૬ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે અને ૪૧ ડેમ હાઈ એલર્ટ પર છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ ૭૦ ડેમમાં ૨૫ ટકાથી પણ ઓછો જળસંગ્રહ ઉપલબ્ધ છે.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો રાજ્યના ૧૩૫ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં મહીસાગરના બાલાસિનોરમાં ૨.૫૬ ઇંચ અને ખેડાના કઠલાલમાં ૨.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીના ૬ કલાકમાં જ ૩૫ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડ્યા હતા, જેમાં સુરતના અંબિકા અને વલસાડના પારડીમાં સૌથી વધુ ૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો છે.

(7:32 PM IST)