<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અમદાવાદમાં મેઘતાંડવ: વરસાદ વિરામ બાદ પણ નિકોલ રિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ યથાવત

ભારે વરસાદના ૧૨ કલાક પછી પણ પાણીનો નિકાલ ન થતા નગરજનો લાચાર; ટ્રાફિક જામ અને રેસિડેન્સીના બેઝમેન્ટમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે વીજળીના કડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નિકોલ રિંગ રોડ અને ત્રાગડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ અટક્યાને ૧૨ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, પાણીનો નિકાલ ન થતા સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે.

ઉલ્લેખનીય છે કે નિકોલ રિંગ રોડ પર સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, એક તરફ શહેરમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલના અભાવે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વાહનચાલકો પોતાના વાહનો લઈને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ત્રાગડમાં આવેલ શિક્ષાપત્રી રેસીડેન્સીના બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદ રોકાઈ ગયો છે પણ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, સમસ્યા યથાવત છે અને ૫ કલાક બાદ પણ રોડ પર ૩ ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરમાં વારંવાર સર્જાતી આવી જળબંબાકારની સ્થિતિને લઈને તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમની મરામત અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

(4:38 PM IST)