<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

હવામાન વિભાગની 'રેડ એલર્ટ'ની ચેતવણી વચ્ચે ગુજરાતમાં મેઘતાંડવ : વહેલી સવારે માત્ર ૨ કલાકમાં ૮૨ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક સ્વરૂપ : નર્મદાના સાગબારા અને ગરૂડેશ્વરમાં ૫-૫ ઈંચ, નાંદોદમાં ૪ ઈંચ, તિલકવાડામાં સાડા ૩ ઈંચ તેમજ બાલાસિનોરમાં ૩ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી 'રેડ એલર્ટ'ની ગંભીર ચેતવણી વચ્ચે રાજ્યમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના માત્ર ૨ કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજ્યના ૮૨ જેટલા તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વિરામ વિના તૂટી પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે.

મેઘરાજાની આ તોફાની બેટિંગમાં નર્મદા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. સવારના માત્ર બે કલાકમાં જ નર્મદા જિલ્લાના સાગબારા અને ગરૂડેશ્વર તાલુકામાં પ-૫ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, નાંદોદ તાલુકામાં ૪ ઈંચ અને તિલકવાડામાં સાડા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ ૩ ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વડોદરા, આણંદ અને છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં ૨-૨ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

ટૂંકા સમયમાં પડેલા આ ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા અને માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેનાથી અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય પર વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ આ અતિભારે વરસાદી આફત જારી રહેવાની શક્યતાને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે.

(9:40 AM IST)