તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Monday, 28th September 2026
તાપી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અને પ્રદૂષણ રોકવાની કવાયત વચ્ચે ગંભીર બેદરકારી
રાંદેર ઝોનના પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી નીકળતું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર મારફતે તાપી નદી સુધી પહોંચતું હોવાની ફરિયાદ

તાપી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અને પ્રદૂષણ રોકવાની કવાયત વચ્ચે પાલિકાના પોતાના જ પ્રકલ્પમાંથી ગંદુ પાણી તાપી તરફ જતું હોવાની ગંભીર ફરિયાદે તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કર્યો છે. રાંદેર ઝોનના પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી નીકળતું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર મારફતે તાપી નદી સુધી પહોંચતું હોવાની ફરિયાદ છે. સામાન્ય મિલકતોમાં ગટરનું પાણી વરસાદી ગટરમાં પહોંચતું હોવાનું જણાય તો પાલિકા દંડ અને કાર્યવાહી કરે છે, ત્યારે પોતાના જ કોમ્પલેક્સમાંથી આવી સ્થિતિ હોવાની ફરિયાદ છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનું સામે આવતા નિયમોના અમલમાં પાલિકાની બેવડી નીતિ તો નથીને તેવો સવાલ ઊભો થયો છે.
સામાન્ય મિલકતો સામે દંડની કાર્યવાહી કરતું પાલિકા તંત્ર પોતાના જ પ્રકલ્પ માંથી ગંદુ પાણી તાપી તરફ જતું હોવાની ફરિયાદમાં કાર્યવાહીથી કેમ દૂર રહ્યું તે સવાલ હવે વધુ ગંભીર બન્યો છે. રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર પાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આવેલું છે. આ કોમ્પલેક્સમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.
ફરિયાદ મુજબ કોમ્પલેક્સનું ગંદુ પાણી નજીક આવેલા સ્ટોર્મ ડ્રેનેજના ચેમ્બર સુધી પહોંચે છે અને આ જ સ્ટોર્મ ડ્રેનેજનું પાણી આગળ તાપી નદી તરફ જાય છે. એટલે તાપીને પ્રદૂષણમુક્ત કરવાની કવાયત વચ્ચે પાલિકાના જ પ્રકલ્પમાંથી નીકળતું ગંદુ પાણી વરસાદી પાણીના નિકાલના નેટવર્કમાં ભળતું હોય તો તે સમગ્ર વ્યવસ્થાની કામગીરી સામે જ સવાલ ઊભો કરે છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેનેજ ની અલગ નેટવર્ક છે, જ્યારે ઘરેલું અને અન્ય ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા અલગ છે. બંને વ્યવસ્થાને અલગ રાખવાનો મુખ્ય હેતુ વરસાદી પાણી સાથે ગંદા પાણીનું મિશ્રણ અટકાવવાનો અને વરસાદી પાણીના નિકાલને પ્રદૂષિત થતું અટકાવવાનો છે. આમ છતાં કોઈ મિલકતમાંથી ગંદા પાણીનું જોડાણ સ્ટોર્મ ડ્રેનેજમાં મળી આવે તો તે સામે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
