<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સિંગાપોર-દક્ષિણ કોરિયાના પ્રવાસે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ૨૦૨૭ પહેલાં ગુજરાત સરકારે વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્ક વધારવાની કવાયત તેજ કરી : રોકાણકારો સાથે સંપર્ક વધારવા તથા ગુજરાતમાં રોકાણની નવી તકો અંગે ચર્ચા કરવા પ્રવાસ

અમદાવાદ,તા.૨૨: આગામી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ ૨૦૨૭ ની તૈયારીઓને વેગ આપવા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિદેશ પ્રવાસે છે. સિગાપોર અને દક્ષિણ કોરિયામાં રોકાણકારો સાથે સંપર્ક વધારવા તથા ગુજરાતમાં રોકાણની નવી તકો અંગે ચર્ચા કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે સીધી ચર્ચા દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ રજૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટેકનોલોજી, સેમિકન્‍ડક્‍ટર , ઇનોવેશન અને આધુનિક ઉદ્યોગોમાં સહયોગ વધારવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. સિગાપોરમાં આર્થિક સહયોગ અને રોકાણની તકો અંગે ચર્ચા થઈ હતી.

વિદેશ પ્રવાસ દરમિયાન ઉદ્યોગકારો ઉપરાંત સ્‍થાનિક ગુજરાતી સમુદાય સાથે પણ સંપર્ક સાધવાનો કાર્યક્રમ છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંવાદ દ્વારા ગુજરાતની વિકાસયાત્રા અને રોકાણની સંભાવનાઓની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે ૧૦થી ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૭ દરમિયાન વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ યોજાવાની છે. આ સમિટમાં વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓને જોડવાનો હેતુ છે. સિગાપોર તથા દક્ષિણ કોરિયા સાથેનો સંપર્ક પણ આ આંતરરાષ્ટ્રીય અભિયાનનો ભાગ છે.

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ અગાઉ રાજ્‍ય સરકાર આંતરરાષ્ટ્રીય સ્‍તરે રોકાણ અને ઔદ્યોગિક ભાગીદારી વધારવા પ્રયાસ કરી રહી છે. સેમિકન્‍ડક્‍ટર, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI), ડેટા સેન્‍ટર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રો પણ સમિટના મુખ્‍ય આકર્ષણોમાં સામેલ છે. જોકે, આ પ્રવાસથી કેટલું નવું રોકાણ પ્રાપ્ત થશે તે અંગે હજુ કોઈ ચોક્કસ આંકડો જાહેર થયો નથી

 

(10:13 AM IST)