તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 25th July 2026
સુરતીલાલાઓ માટે રાહત અને આફતના મિશ્ર સમાચાર! મેઘરાજાએ વિરામ લેતાં ખાડીઓનું સ્તર ઘટ્યું, પણ પર્વત ગામ અને લિંબાયત હજુ પાણી-પાણી
મીઠી ખાડીના પૂરથી કમરૂ નગરમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત, તંત્ર દ્વારા 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ફૂડ પેકેટનું વિતરણ શરૂ

સુરત : ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં આખરે આફતરૂપી વરસેલા મેઘરાજાએ ખમૈયાં કરતાં સુરતીલાલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાંથી પસાર થતી તમામ મુખ્ય ખાડીઓના જળસ્તરમાં ઘટાડો થતાં પૂરનું સંકટ કંઈક અંશે ટળ્યું છે, પરંતુ આ રાહત વચ્ચે નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આફત હજુ પૂરી થઈ નથી. શહેરના પર્વત ગામ અને લિંબાયત જેવા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સુરતના લિંબાયતમાં આવેલી મીઠી ખાડી છલકાતાં કમરૂ નગર અને આસપાસના વિસ્તારો છેલ્લા ચાર દિવસથી જળબંબાકાર છે. અહીં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ રહેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ, ડુંભાલ અને પર્વત ગામ વિસ્તારની વિધાતા ટાઉનશીપ, શાંતિકુંજ, ગીતાનગર અને વામા નગર જેવી સોસાયટીઓમાં પણ લોકોના વાહનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આ વિકટ સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. વોર્ડ નં. 19ના કોર્પોરેટર અશોકકુમાર શાહના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી 300થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કોમ્યુનિટી હોલમાં ખસેડાયા છે. ત્યાં ફસાયેલા લોકો માટે સ્થાનિક તંત્ર દ્વારા ફૂડ પેકેટ, દૂધ અને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં પાણી ઓસરી જવાની શક્યતા સેવાઈ રહી છે.
ઉકાઈ ડેમની વાત કરીએ તો બપોરે 2 વાગ્યે ડેમની સપાટી 315.52 ફૂટ નોંધાઈ હતી, જેમાં 11,689 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક જાવક ચાલુ છે. જોકે, તાપી નદી પરનો કોઝવે ભયજનક સપાટી (6 મીટર) વટાવીને 7.06 મીટરે વહી રહ્યો હોવાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે કકરા, ભેદવાડ, મીઠી, ભાઠેના અને સીમાડા જેવી તમામ ખાડીઓનું જળસ્તર હવે તેમની ભયજનક સપાટીથી નીચે આવી ગયું છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
