<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્‍યોએ ‘ગોઠવણ' કરી, નારાજ કાર્યકરોએ મતદાનમાં ‘ખેલ' પાડયો

પ્રદેશ નેતાગીરીએ ધારાસભ્‍યો પર ભરોસો મૂક્‍યો, મતદાન વધારવા ધારાસભ્‍યો મતવિસ્‍તારમાં ફરક્‍યા જ નહીં : ભાજપના વિકાસ સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કામો નહીં કરવાના વલણથી કાર્યકરો-મતદારો નારાજ

અમદાવાદ,તા.૨૭: ચુંટણીમાં દિવસ દરમિયાન નબળાં મતદાનથી શાસક પક્ષ ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં એક રીતે ચિતાની સ્‍થિતિ જોવા મળી રહી છે. પરંતુ વાસ્‍તવિક સ્‍થિતિમાં મતદારો અને મતદાન વચ્‍ચે જોડતી કડી એવા પરિશ્રમીક કાર્યકરોની ભારોભાર નારાજગી આ વખતે સૌથી વધારે દેખાઇ હતી. આ કડીના અભાવે મતદાન મથકો પર દેખીતી ભીડ કે લાઈન જોવા મળી ન હતી. આની પાછળ ભાજપ હોય કે કોંગ્રેસ, કાર્યકરોની ઈચ્‍છા અને માંગને ઉવેખીને પ્રદેશ નેતાગીરીએ બારોબાર અથવા ધારાસભ્‍યો, સાંસદોના ભરોસે અનેક ઉમેદવારોની કરેલી પસંદગી મોટું કારણ હોવાની વિગતો બહાર આવી છે. સત્તાધારી પક્ષ ભાજપમાં જોવા જઈએ તો ઉમેદવારોની પસંદગીમાં ખાસ કરીને પારાસભ્‍યોએ મોટાભાગે પોતાના પૈદાઓને ગોઠવવા માટે કરેલા પ્રયાસો સફળ રહ્યા હતા એનાથી જમીન પર પરસેવો પાડતો કાર્યકર સમુહ નારાજ થયો હતો. આ નાારજ કાર્યકર સમુહે પ્રચારથી માંડીને મતદાન સુધીની પ્રક્રિયામાં પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. હવે નેતાગીરી આ મુદ્દાને કેટલો ગંભીરતાથી લઈને ખુટતી કડીઓ જોડવા પ્રયાસ કરે છે કે સત્તાના કેફમાં તેને નજર અંદાજ કરે છે એ તો આવનારો સમય કહેશે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં ઉમેદવારોને લઈને ખાસ્‍સો ઉહાપોહ થયો હતો. કોંગ્રેસમાં જિલ્‍લા સ્‍તરેથી સર્વસંમત ઉમેદવારોની યાદી પ્રદેશમાં મોકલાયા પછી મહત્તમ ઉમેદવારોમાં ફેરફાર થયો હતો બીજી તરફ ભાજપમાં પણ નિરીક્ષકોની યાદીમાં સંકલન બેઠક વેળા ધારાસભ્‍યોએ પોતાના માનીતાઓની ગોઠવણ કરી લીધી હતી. આથી કાર્યકરો નારાજ થયા હતા. અમદાવાદ સહિત રાજ્‍યના અનેક સ્‍થાનિક સંસ્‍થાઓમાં ધારાસભ્‍યોના ભરોસે રહેલી નેતાગીરીને પારાસભ્‍યો, કાર્યકરોની કોલ્‍ડ વોરની જાણ હતી કે કેમ તેના પર હાલ કાર્યકરો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે. કાર્યકરોની લાગણી એવી છે કે જમીન પર અમે કામ કરીએ છીએ.

અમારા પૈકીના કોઈને ટિકિટ આપવાને બદલે અનેક બેઠકો પર ધારાસભ્‍યોએ પોતાના માનિતાઓને ટિકિટો આપી દીધી છે. જેમને વિસ્‍તારમાં કોઈ ઓળખતુ નથી. એમને લઈને મતવિસ્‍તારમાં જવાનું કઠિન થઇ જાય છે. ભાજપ શિસ્‍તબદ્ધ પાર્ટી છે એટલે પ્રચારના ટોળમાં સામેલ થયા પછી આસપાસાન મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાથી આ સમુહ દૂર રહ્યો હતો. એસઆઇઆર, નવા સિમાંકનના કારણે અનેક બુથ વિભાજિત થયા, કેટલાક વોર્ડમાં ફેરફાર થયા એમાં અનેક મતદારોની ઉથલપાથલ થઈ ગઈ હતી. આ મતદારોને બુથ સુધી લઈ જનાર કાર્યકરો જ આજે નદારદ હતા. ખાસ કરીને ૨૦૨૧માં તત્‍કાલિન પ્રમુખ સી.આર. પાટીલે લાગુ કરેલા બુથ પ્રમુખ અને કમિટી ઉપરના માઈક્રો મેનેજમેન્‍ટ એવા પેજ પ્રમુખ, કમિટીઓના નેટવર્કથી ભાજપ પાર્યુ નિશાન પાર પાડી શક્‍યો હતો. પરંતુ આ વખતે બુથ કમિટીઓના મેનેજમેન્‍ટને સક્રિય કરવા જ કોઇ નેટવર્ક કામ કરતું થયુ નહતું. આથી પેજ પ્રમુખો પોતાના રહેણાંક વિસ્‍તારમાં સક્રિય હતા. જ નહીં. આને કારણે મતદાનમાં કંગાળ પ્રતિસાદ રહ્યો હતો. એમાં ભીષણ ગરમી, નવા સિમાંકનથી બદલાયેલા બુથ અને વોર્ડની સ્‍થિતિમાં મતદારો ફરી જતાં નારાજ કાર્યકરોને દોડવુંહતું અને ઢાળ મળી ગયો હતો. બીજું કે મતદારો અને કાર્યકરોને વધતાં જતાં ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને કામો નહીં કરવાના વલણથી નારાજગી છે એ આજના મતદાન પરથી સ્‍પષ્ટ થાય છે. ભાજપ ભલે માને કે ૨૦૨૧ કરતાં મતદાન થોડું સુધર્યું છે, પરંતુ પાંચ વર્ષની સરખામણીમાં નજીવો વધારો કહેવાય.

(10:34 AM IST)