News of Saturday, 25th July 2026
મમ્મી, રાત્રે તમે બધા સૂઈ જાઓ પછી પપ્પા મારી સાથે ખરાબ હરકત કરે છે
સગા બાપે સગીર દીકરી સાથે છેડતી કરતાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ,તા.૨૫: વાડજ-નારણપુરા વિસ્તારમાં એક સગીર દીકરી સાથે તેના સગા પિતાએ અશોભનીય હરકતો કરી હોવાનો ચોંકાવનારો બનાવ નોંધાયો છે. પરિવારના તમામ સભ્યો રાત્રે સૂઈ ગયા બાદ પિતા દીકરીને અડપલાં કરતો હતો. આ અંગે દીકરીએ સવારે પિતા નોકરીએ ગયા બાદ માતા અને પરિવારના અન્ય સભ્યોને જાણ કરતાં તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાતાની જાણ થતાં જ છેડતી કરનાર પિતા ઘર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
નારણપુરા-વાડજ વિસ્તારમાં રહેતા એક પરિવારનું ઘર નાનું હોવાથી પરિવારના તમામ સભ્યો એક જ રૂમમાં સૂતા હતા. જે દીકરી પોતાને સૌથી વધુ સુરક્ષિત પોતાના પિતા પાસે સમજતી હોય, તે જ પિતા રાત્રિના અંધારામાં પરિવારના અન્ય સભ્યો સૂઈ જાય ત્યારબાદ પોતાની દીકરી સાથે અડપલાં કરતો હતો. સગીર દીકરીને શરૂઆતમાં આ વાતની સમજ પડી નહોતી, પરંતુ પિતાની હરકતો પર ધ્યાન આપતાં તેને ખાતરી થઈ કે પરિવારના સભ્યો સૂઈ જાય ત્યારબાદ પિતા તેની નજીક આવીને શારીરિક અડપલાં કરે છે. આ ઘટનાથી દીકરી ખૂબ જ ડરી ગઈ હતી અને ગુમસૂમ રહેવા લાગી હતી.
સવારે પિતા નિત્યક્રમ પૂર્ણ કરીને નોકરીએ ગયા બાદ દીકરીએ ડરતા-ડરતા પોતાની માતાને સમગ્ર વાત કરી હતી. આ સાંભળીને માતા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે સાસુ તથા પરિવારના અન્ય સભ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને પતિને ફોન કરીને પૂછપરછ કરી હતી. જોકે પતિએ ‘‘ભૂલથી દીકરીને હાથ અડી ગયો હશે'' તેમ કહી વાતને ઉડાવી દીધી હતી. જેથી પરિવારને તેની હરકતો અંગે વધુ શંકા ગઈ હતી. આખરે માતાએ દીકરીને ન્યાય અપાવવા માટે પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.(૪૦.૫)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
