News of Sunday, 26th April 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની 'સેમીફાઈનલ'માં લોકશાહીનો મિજાજ: ક્યાંક આદર્શ મતદાન તો ક્યાંક ઈવીએમ અને અટકાયતના વિવાદો સાથે જંગ જામ્યો
15 મહાનગરપાલિકાઓના રણમેદાનમાં સરેરાશ 16 ટકાથી વધુ મતદાન, મોરબી 25 ટકા સાથે મોખરે અને અમદાવાદ 12 ટકા સાથે પછાત, રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ અને ગોધરામાં શોર્ટ સર્કિટથી મથકમાં આગ લાગતા અફરાતફરી

રાજકોટ : ગુજરાત વિધાનસભા 2027ની પૂર્વતૈયારી સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 15 મહાનગરપાલિકાઓ અને પંચાયતોના જંગમાં અનેરો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ મોરબીમાં સૌથી વધુ 25.16 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ 12.01 ટકા સાથે અત્યાર સુધી સૌથી પાછળ રહ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવતા માહોલ ગરમાયો છે. તેમના પર મતદાન મથકથી 100 મીટરની અંદર પ્રચાર કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન જામનગર, વડોદરા અને અમદાવાદના વાસણામાં ઈવીએમ ખોટકાવવાને કારણે મતદારોમાં ભારે રોષ અને હોબાળો જોવા મળ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક રસપ્રદ અને હિંસક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આણંદમાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલો થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ, ગોધરાની શારદા મંદિર સ્કૂલમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે મતદાન મથકે આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી, જોકે ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. મહેસાણાના દેલા ગામમાં ગ્રામજનોએ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના મુદ્દે સજ્જડ મતદાન બહિષ્કાર કર્યો છે, જે લોકશાહીના આ પર્વમાં તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે, જે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ભરૂચમાં વીજળી ગુલ થતા મતદારોએ મીણબત્તીના અજવાળે નાગરિક ફરજ બજાવી હતી, તો ગોંડલ અને નસવાડીમાં વરરાજા અને પીઠી ચોળેલી યુવતીએ લગ્ન મંડપે જતા પહેલા મતદાન કરી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદીનો ઉત્સાહ યુવાનોને શરમાવે તેવો હતો. 4.02 કરોડ મતદારો આજે 25,000 થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા જઈ રહ્યા છે, જેના પરિણામો 28 એપ્રિલે જાહેર થશે અને ગુજરાતના ભાવિ રાજકારણની દિશા નક્કી કરશે.

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
