તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 20th April 2026
અઠવાડિયામાંજ S.T.બસની ૧.૮ લાખથી વધુ ૩.૨૨ કરોડની ટિકિટો બુક થઇ ગઇ
ઉનાળા વેકેશન પહેલા જ એસટી બસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ માટે પડાપડી : એસ.ટી.બસો હાઉસફૂલ થવા માંડી, બુકિંગમાં ગોધરા, રાજકોટ ડિવિઝન મોખરે

અમદાવાદ,તા.૨૦: ઉનાળા વેકેશનની શરૂઆત પહેલા જ GSRTCમાં મુસાફરોનો ભારે ધસારો છે. તા. ૯થી ૧૫ એપ્રિલ દરમિયાન ૧,૦૮,૦૦૦ થી વધુ સીટો એડવાન્સમાં બુક થઈ ગઈ છે. જેના થકી એસ.ટી.નિગમને ૩.૨૨ કરોડથી વધુની રકમની આવક થવા પામી છે. ઉનાળા વેકેશનમાં સહપરિવાર વતન જવા, ધાર્મિક-પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે લોકોએ એસ.ટી.બસોમાં અત્યારથી ટિકિટ રિઝર્વેશન કરાવી તેમની સીટો સિક્યોર કરી લીધી છે.
એડવાન્સ ટિકિટ બુકિગના મામલે ગોધરા ડિવિઝન સૌથી આગળ રહ્યું છે. જયાં કુલ ૨૮,૧૩૭ ટિકિટો બુક થઈ છે. જેના થકી ૭૬.૩૪ લાખની આવક થવા પામી છે. રાજકોટ વિભાગમાં ૪૦.૭૧ લાખની કિમતની ૧૪,૨૦૬ ટિકિટ અને જામનગર વિભાગમાં ૯,૪૦૪ ટિકિટ, ભુજ વિભાગમાં ૮,૮૯૭ ટિકિટો બુક થઇ ગઈ છે. આ વિસ્તારોમાં પ્રવાસ અને ગામડાઓ તરફ જતા લોકોની સંખ્યા વધારે છે. અમદાવાદ વિભાગમાં ૨૨.૯૩ લાખની કુલ ૮,૯૭૮ ટિકિટો બુક થઇ ગઈ છે. અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ મુસાફરી માટે માંગ વધી છે. આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુક થયેલી ટિકિટોમાંથી ૩,૬૭૪ ટિકિટો રદ થવા પામી છે.
જે સંદર્ભમાં એસ.ટી.નિગમે મુસાફરોને ટિકિટ રદ કરાવવાના કિસ્સામાં ૧૧.૧૪ લાખનું રિફંડ પણ ચુકવી દીધું છે. ટ્રેન અને ફલાઈટના તેમજ ખાનગી બસોના મોંઘા ભાડા સામે એસ.ટી. સસ્તા ભાડાનો મજબૂત વિકલ્પ હોવાથી લોકો એસ.ટી. બસોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બરોડા વિભાગમાં ૪,૮૪૯, ભાવનગરમાં ૭,૧૫૩, સુરતમાં ૨,૧૪૯, અમરેલી વિભાગમાં ૫,૫૩૪ ટિકિટો એડવાન્સમાં રિઝર્વેશન થઈ જવા પામી છે. મુસાફરોના અતિ ભારે ધસારાને લઇને એ.ટી.નિગમ દ્વારા ઉનાળા વેકેશનમાં એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજાન પણ હાથ ધરાયું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
