તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
ટીચર્સ યુનિ.ના કુલપતિ માટે ૫૫થી વધુ ઉમેદવારે અરજી કરી
પહેલી વખત ઉમેદવારોના ‘વિઝન'ની ચકાસણીઃ ટીચર્સ યુનિ.ના કુલપતિ બનવા ૧૩ રાજ્યમાંથી અરજીઓ આવી : અત્યાર સુધી ઉમેદવારોના બાયોડેટામાંથી પસંદગી થતી હતી, હવે યુનિ.માટે શું વિઝન છે તે કમિટી ચકાસશે

અમદાવાદ તા.૧૮: રાજ્યમાં ટીચર્સ યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટીએ આપેલી જાહેરાતના અનુસંધાનમાં હાલમાં ૫૫થી વધુ ઉમેદવારે અરજી કરી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં આવેલી અરજીઓની સ્ક્રૂટીની કરીને મજબૂત બાયોડેટાના આધારે સર્ચ કમિટી દ્વારા કુલ ત્રણ નામો પસંદ કરવામાં આવતાં હતા. જોકે, પહેલી વખત હવે તમામ ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પ્રેઝન્ટેશન લઇને ઉમેદવારનું વિઝન ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીને લાયક ઉમેદવાર મળી રહે તે માટે આ પ્રથા લાગુ કરવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે તે માટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૦-૧૧માં ટીચર્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તરણ થઇ શકે તે માટે તેનું નામ પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) આપવામાં આવ્યું હતું. આશ્રર્યની વાત કે, સ્થાપના બાદ આજ સુધી યુનિવર્સિટીની રચના જે માટે કરવામાં આવી હતી તે લક્ષ્યાંક સુધી પહોંચી શકી નથી. હવે કુલપતિની જગ્યા ફરી ખાલી પડી છે ત્યારે નવા કુલપતિની શોધ માટે સર્ચ કમિટીએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે સર્ચ કમિટી દ્વારા કુલપતિ માટેના ઉમેદવારો પાસેથી બાયોડેટા મગાવીને સ્ક્રૂટીની કર્યા બાદ યોગ્ય લાગે તેવા ત્રણ નામો પસંદ કરીને સરકારને મોકલી આપવામાં આવે છે.
સરકાર દ્વારા આ ત્રણ નામો પૈકી અથવા તો ઉચ્ચસ્તરેથી આવેલી ભલામણના નામ પૈકી કોઇપણ એકની કુલપતિ તરીકે પસંદગી જાહેરાત કરવામાં આવતી હોય છે. સૂત્રો કહે છે કે, પહેલી વખત આઉટ ઓફ બોક્સ એટલે કે પરંપરાગત પદ્ધતિથી કુલપતિની પસંદગી કરવાના બદલે દરેક ઉમેદવારને રૂબરૂમાં બોલાવીને જે તે યુનિવર્સિટી માટે તેનું વિઝન શું છે અને તેની કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવે તો તે શું કરી શકશે અથવા તો શું કરવાની ઇચ્છા ધરાવે છે તેનું પ્રેઝન્ટેશન લેવાનું નક્કી કરાયું છે. કારણ કે કેટલાક ઉમેદવારના બાયોડેટા મજબૂત હોય છે પરંતુ તેઓ વહીવટી બાબતોમાં નિષ્ફળ નિવડતા હોય છે. આ જ રીતે કેટલાક વહીવટી પાસાઓમાં મજબૂત હોય તો એકેડેમિક બાબતોમાં નબળા હોવાથી સરવાળે યુનિવર્સિટીને નુકસાન ભોગવવું પડતું હોય છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે હવે પ્રેઝન્ટેશન, પીપીટી, ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયામાંથી યોગ્ય લાગે તેવા ઉમેદવારની પસંદગી કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સરકાર સર્ચ કમિટીએ આપેલા નામોમાંથી જ પસંદગી કરશે કે કેમ તે અલગ મદ્દો છે.
ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિની પસંદી માટે ચાલતી પ્રક્રિયા અંતર્ગત હાલમાં ઉત્તર પ્રદેશ, મિઝોરમ, હરિયાણા, રાજસ્થાન સહિતના કુલ ૧૩ રાજ્યમાંથી ઉમેદવારોએ કુલપતિ બનવા માટે દરખાસ્ત કરી છે. સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારને રૂબરૂ બોલાવવાની પદ્ધતિ અંતર્ગત અન્ય રાજ્યોના ઉમેદવારોએ હાજર રહીને પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાંથી પણ પ્રિન્સિપાલ, પ્રોફેસર સહિત ૫૫થી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. હાલમાં પ્રેઝન્ટેશનની પ્રક્રિયા બાદ ત્રણ ઉમેદવારોની પસંદગી કરીને સરકારને સુપરત કરવામાં આવશે.(૩૮.૬)
(૩૮.૫)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
