News of Wednesday, 27th May 2026
દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીનો સમય બદલાતા સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
કૉંગ્રેસે સંબંધિત પક્ષપાતી ચૂંટણી અધિકારીને બદલવા માટે અગાઉથી જ લેખિત માંગ કરી હતી છતાં તંત્ર દ્વારા આ બાબતને સદંતર અવગણીને તે જ અધિકારીને યથાવત રાખ્યા

વાવ-થરાદ જિલ્લામાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે યોજાનારી આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવતા કૉંગ્રેસે આયોજનબદ્ધ કાવતરું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સવારે 11 વાગ્યે શરૂ થનારી ચૂંટણી પ્રક્રિયાને છેલ્લી ઘડીએ લંબાવીને બપોરે 3 વાગ્યે કરવાનો નિર્ણય લેવાતા મોટો વિવાદ સર્જાયો છે.
ચૂંટણીના સમયમાં અણધાર્યા ફેરફાર થવાને પગલે બનાસકાંઠાના કૉંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને કૉંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત આકરા પાણીએ જોવા મળ્યા હતા. બંને દિગ્ગજ નેતાઓએ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. કૉંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ચૂંટણી અધિકારી બીમાર હોવાનું ખોટું બહાનુ બતાવીને સત્તાધારી પક્ષના ઈશારે જ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવ્યો છે, જેથી રાજકીય તોડજોડ અને ગણિત ગોઠવવાનો પૂરતો સમય મળી રહે.
ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસ દ્વારા સંબંધિત પક્ષપાતી ચૂંટણી અધિકારીને બદલવા માટે અગાઉથી જ લેખિત માંગ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતને સદંતર અવગણીને તે જ અધિકારીને યથાવત રાખવામાં આવ્યા છે. લોકશાહીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના સભ્યો અને આગેવાનોએ પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
