મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને મળશે અવિરત વીજળી : 508 કિમી કોરિડોરમાં 14 સબસ્ટેશનથી પાવર સપ્લાય સુનિશ્ચિત થશે
નવસારીના બીલીમોરામાં પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન લગભગ તૈયાર, 18,000 ચો.મી.માં ફેલાયેલું; 2x25 kV સિસ્ટમથી ટ્રેન દોડશે

અમદાવાદ તા.૩૧ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા 508 કિમી લાંબા રૂટ પર 14 ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બનાવવામાં આવી રહ્યા છે.
આ પૈકી ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે બનતું પ્રથમ સબસ્ટેશન હવે પૂર્ણતાના આરે છે. અંદાજે 18,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સબસ્ટેશનમાં સાધનોનું ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગનું કામ ચાલી રહ્યું છે. આ સબસ્ટેશનને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) ના 220 kV આંબેઠા ગ્રીડ સબસ્ટેશનથી વીજળી મળશે.
આ 14 સબસ્ટેશન મુખ્ય ગ્રીડમાંથી વીજળી લઈ તેને જરૂરી વોલ્ટેજમાં ફેરવી ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) દ્વારા ટ્રેનને સપ્લાય કરશે. આખો કોરિડોર જાપાનની શિંકાન્સેન ટેકનોલોજી જેવી અદ્યતન 2x25 kV ટ્રેક્શન પાવર સિસ્ટમ પર કામ કરશે.
આ 14 સબસ્ટેશનોમાંથી 5 મહારાષ્ટ્રમાં - મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપો ખાતે અને 9 ગુજરાતમાં - વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો ખાતે બનાવવામાં આવશે. સમગ્ર પાવર નેટવર્કનું રીયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
