News of Tuesday, 21st July 2026
અમદાવાદના પૂર્વ વિસ્તારની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આકરૂં વલણ: રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ગેરકાયદે ધમધમતા ફટાકડાના ગોદામો-દુકાનો પર તંત્રની ભીંસ, ૧૧૮ સ્થળોએ દરોડા પાડીને તાળાં લટકાવી દેવાયા
રામોલમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ બાદ એસ્ટેટ અને ફાયર વિભાગે મોરચો સંભાળ્યો; ઐતિહાસિક રાયપુર દરવાજા બહાર પણ ધારાધોરણોનો ભંગ કરતી દુકાનોને સીઝ કરી દેવાતાં વેપારીઓમાં ભારે ફફડાટ

અમદાવાદ:શહેરના રામોલ વિસ્તારમાં ફટાકડાના એક કારખાનામાં ફાટી નીકળેલી ભયાનક આગની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)નું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ ગંભીર દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની કડક સૂચના બાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમો દ્વારા સમગ્ર શહેરમાં ગેરકાયદે ફટાકડાના એકમો વિરૂદ્ધ એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગની ઘટનાના ગણતરીના કલાકોમાં જ હરકતમાં આવેલા તંત્રએ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ૬૦ જેટલા જોખમી અને ગેરકાયદે યુનિટોને સ્થળ પર જ સીલ મારી દીધા છે.
મહાપાલિકાના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફાયર સેફ્ટીના સાધનો વગર અને રહેણાંક વિસ્તારોની આસપાસ જોખમી રીતે ચાલતા ફટાકડાના વેપારને ડામવા માટે અલગ-અલગ ઝોનમાં કુલ ૧૧૮ શંકાસ્પદ સ્થળો પર આકસ્મિક તપાસ અને કડક રાઉન્ડ કરવામાં આવ્યા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં માત્ર ૪૪ એકમો જ કાયદેસર અને નિયમોનુસાર ચાલતા હોવાનું માલૂમ પડ્યું હતું. જ્યારે બાકીના ૬૦ યુનિટો કોઈપણ પ્રકારની માન્ય પરવાનગી કે ફાયર એનઓસી (NOC) વગર ધમધમી રહ્યા હોવાનું ખુલતાં કોર્પોરેશને તમામ એકમોને ટાંચમાં લઈ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
બીજી તરફ, તંત્ર દ્વારા માત્ર પૂર્વ વિસ્તાર પૂરતી જ આ ઝુંબેશ સીમિત રાખવામાં આવી નથી. શહેરના કોટ વિસ્તાર અને મધ્ય ઝોનમાં પણ ફટાકડા બજારના મુખ્ય કેન્દ્ર ગણાતા રાયપુર વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાયપુર દરવાજા નજીક આવેલી ફટાકડાની હોલસેલ અને રીટેલ દુકાનોમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, ઈમરજન્સી એક્ઝિટ અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન સહિતના ધારાધોરણોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. મંગળવારે કરાયેલી આ આકરી કાર્યવાહી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કાયદાના ભંગ બદલ અનેક જાણીતી દુકાનોને સીલ મારી દેતાં સમગ્ર બજારમાં વેપારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નાગરિકોના જીવને જોખમમાં મૂકીને ચાલતા આવા કોઈપણ એકમોને સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
