News of Tuesday, 12th May 2026
વલસાડ પંથકમાં મુસ્લિમ યુવકે ઓળખ છુપાવી યુવતીને જાળમાં ફસાવી :બંધક બનાવ્યાનો આક્ષેપ : હિન્દૂ સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી
પોલીસ સ્ટેશન ખાતે ભારે વિરોધ પ્રદર્શન બાદ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી

સુરત :દક્ષિણ ગુજરાતના વલસાડ પંથકમાં કથિત 'લવ જેહાદ'ના મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. એક મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલાની જાણ થતા જ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, એક મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી પોતાનું હિન્દુ નામ બતાવ્યું હતું. આ માધ્યમથી તેણે યુવતી સાથે મિત્રતા કેળવી અને ધીમે ધીમે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીના પરિવારજનો પણ આ યુવકની અસલી ઓળખથી સંપૂર્ણપણે અજાણ હતા. યુવકે આયોજનબદ્ધ રીતે યુવતીને પોતાની વાતોમાં ભોળવી રાખી હતી.
આ મામલે એવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, જ્યારે યુવતી યુવકના ઘરે પહોંચી ત્યારે તેને તેની અસલી ઓળખની ખબર પડી હતી. સત્ય સામે આવતા જ યુવતીને ત્યાં કથિત રીતે એક અઠવાડિયા સુધી જબરદસ્તીથી બંધક બનાવી રાખવામાં આવી હતી. જેમ-તેમ કરીને યુવતી ત્યાંથી જીવ બચાવીને ભાગવામાં સફળ રહી અને ઘરે પરત ફરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી ન કરવામાં આવતા હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓ અને યુવતીનો પરિવાર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની કામગીરી સામે વિરોધ દર્શાવવા માટે સંગઠનોએ પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા પર બેસીને રામધૂન બોલાવી હતી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
હિન્દુ સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે ઓળખ છુપાવીને હિન્દુ યુવતીઓને છેતરતા અને ફસાવતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશન ખાતે ભારે વિરોધ પ્રદર્શન બાદ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે. હાલમાં વલસાડ પોલીસે આક્ષેપોની તપાસ કરી આરોપી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
