<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અમદાવાદમાં ફરજાના નામની મહિલાની હત્યાનું રહસ્ય 34 વર્ષ બાદ ઉકેલાયું :DNAનો રિપોર્ટમાં મોટો ખુલાસો

ક્રૂરતાની હદ વટાવતા, આરોપી પતિએ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને જમીનમાં 20 ફૂટ ઊંડે દાટી દીધો હતો

અમદાવાદમાં ચકચારી ફરજાના હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 34 વર્ષ પહેલાં લાપતા થયેલી ફરજાના રાધનપુરી નામની મહિલાના અંગોના DNA સેમ્પલ તેના પરિવારના સભ્યો સાથે મેચ થઈ ગયા છે. આ વૈજ્ઞાનિક પુરાવાએ વર્ષોથી દબાયેલી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચક્યો છે. આ કેસમાં મળેલી સફળતાથી સાબિત થયું છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, વિજ્ઞાન અને કાયદાના હાથ તેના સુધી પહોંચી જ શકે છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 1992 માં ફરજાનાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. ક્રૂરતાની હદ વટાવતા, આરોપી પતિએ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને જમીનમાં 20 ફૂટ ઊંડે દાટી દીધો હતો. વર્ષો સુધી આ રહસ્ય દટાયેલું રહ્યું હતું, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા ખોદકામ અને તપાસ દરમિયાન મળેલા અવશેષોના ફોરેન્સિક પરીક્ષણ બાદ હવે સત્ય બહાર આવ્યું છે. આ ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હતી. જોકે હવે વધુ તપાસમાં પતિ જ આરોપી નીકળ્યો છે.

DNA રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે અમદાવાદ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. આરોપી પતિ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા અને તેને કડકમાં કડક સજા અપાવવા માટે પોલીસ હવે ચાર્જશીટ તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે.

(8:31 PM IST)