News of Monday, 13th July 2026
પાટણના હારીજમાં વર્ષો જુના ઝાપટપુરા વિસ્તારનું નામ કેટલાક લોકોના સરકારી દસ્તાવેજોમાં ઇસ્લામપુરા લખાતા ભારે વિવાદ
અસલ ઓળખ ભૂસી નવું નામ લખવાની તંત્રની ટેકનીકલ ભૂલ છે કે પછી કોઈ કાવતરાના ભાગરૂપે આ વિસ્તારનું નામ ઇસ્લામપુરા લખાયું ? લોકોમાં ભારે રોષ ફેલાયો

પાટણના તાલુકા મથક હારીજમાં વર્ષો જુના ઝાપટપુરા વિસ્તારનું નામ કેટલાક સ્થાનિક લોકોના સરકારી દસ્તાવેજોના સરનામામાં ઇસ્લામપુરા લખાતા ભારે વિવાદ સર્જાયો છે. અસલ ઓળખ ભૂસી નવું નામ લખવાની તંત્રની ટેકનીકલ ભૂલ છે કે પછી કોઈ કાવતરાના ભાગરૂપે આ વિસ્તારનું નામ ઇસ્લામપુરા લખવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દો હારીજ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાકીદે ઘટતી કાર્યવાહી કરી વિસ્તારનું નામ ઝાપટપુરા જ દર્શાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના હારીજમાં આવેલા ઝાપટપુરા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે અને સાથે જ રહે છે પણ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના સ્થાનિક લોકોના રાશનકાર્ડ અને આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજોના સરનામામા ઝાપટપુરાના બદલે ઇસ્લામપુરા લખાઈને આવ્યું છે જે જોઈ સ્થાનિકો ચોકી ઉઠ્યા છે. સરકારી ચોપડે આ વિસ્તારનું નામ ઝાપટપુરા જ લખેલું છે તો પછી રાશનકાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાં ઇસ્લામપુરા કેમ લખાય છે. શું આ કોઈ કાવતરાનો ભાગ છે કે પછી કોઈ જાણી જોઈને ડેટા સાથે ચેડા કરે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં આ વિસ્તારમાં ઇસ્લામપુરા સરનામું ધરાવતા અનેક રાશનકાર્ડ છે જ્યારે ઝાપટપુરા નામ ધરાવતા માત્ર ગણ્યા ગાંઠયા રાશન કાર્ડ બચ્યા છે.
જો સામાન્ય નાગરિકના નામ કે સરનામામા બદલાવવા હોય તો તંત્ર દ્વારા અરજદારોને કચેરીઓના ધક્કાઓ ખવડાવવામાં આવે છે ત્યારે આખા વિસ્તારનું નામ કેવી રીતે બદલી નાખવામાં આવ્યું તેવા સવાલો ઉભા થયા છે. સરકારી ગેજેટમાં કોઈપણ જાતના ફેરફાર વગર કે કોઈપણ જાતના ઠરાવ વગર ઝાપટપુરા ના બદલે સરકારી દસ્તાવેજોના એડ્રેસમાં ઇસ્લામપુરા નામ કેવી રીતે દાખલ થયું તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આની પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે કામ કરવામાં આવી રહ્યું છે? સરકારી ચોપડે આ રીતે આખા વિસ્તારનું નામ બદલાઈ જાય તે વહીવટી તંત્રની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે. આવી ગોર બેદરકારી સામે તંત્ર દ્વારા તપાસ કરી તમામના દસ્તાવેજોમાં ઝાપટપુરા જ લખવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
આખા વિસ્તારનું નામ બદલાતા આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાશન કાર્ડની કે.વાય.સી. પ્રક્રિયા ફરજિયાત કરાતા જે તે સમયે સ્થાનિકોએ કેવાયસી કરાવતા મોટા ભાગના રાશન કાર્ડના એડ્રેસમા ઝાપટપુરાને બદલે ઇસ્લામપુરા લખાયુ છે. તો કેટલાક લોકોના આધાર કાર્ડના માં પણ ઇસ્લામપુરા લખાયેલું છે. જેનું કોઈ અસ્તિત્વજ નથી તેવું નામ લખાયને આવતા સ્થાનિકો વિમાસણમાં મુકાયા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આ કૃત્ય કોઈના દોરી સંચાર હેઠળ થયું છે ત્યારે તંત્રએ આ બાબતે તપાસ કરી સત્ય હકીકત ઉજાગર કરી આ વિસ્તારનું વર્ષો જૂનું મૂળ નામ ઝાપટપુરા જ રાખવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
