<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્ય યાત્રામાં નરેન્દ્રભાઈ મોદીએ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું : 800 ઋષિકુમારોના શંખનાદ અને ડમરુના ગુંજારવથી પ્રભાસ ક્ષેત્ર આધ્યાત્મિક ઉર્જાથી તરબતર : જુઓ વિડિઓ

મંદિર નિર્માણના 75 વર્ષના અમૃત મહોત્સવે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કુંભાભિષેક અને વાયુસેના દ્વારા પુષ્પવર્ષા કરાઈ : પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઋષિકાઓ અને મહિલા સ્ટાફ દ્વારા વૈદિક વ્યવસ્થાનું સંચાલન

પ્રભાસ પાટણ (સોમનાથ):સોમનાથ મંદિરના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અને અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક શૌર્ય યાત્રા યોજાઈ હતી. સોમનાથના માર્ગો પર ઉમટી પડેલી વિરાટ જનમેદની વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લી જીપમાં શિવભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. કાજલી અને રામજી મંદિરના રૂટ પરથી શરૂ થયેલી આ યાત્રામાં વડાપ્રધાને શિવના પ્રિય વાદ્ય ડમરુ વગાડીને ભક્તોમાં નવો ઉત્સાહ ભર્યો હતો. વાયુસેનાના વિમાનો દ્વારા સોમનાથ મંદિર પર કરવામાં આવેલી પુષ્પાંજલિએ આકાશમાં પણ ભવ્ય દ્રશ્યો સર્જ્યા હતા.
વૈદિક વ્યવસ્થામાં ડૉ. કુંજલ ત્રિવેદીનું મહત્વનું પ્રદાન:
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તા એવા રાજકોટના નિવાસી ડૉ. કુંજલ ત્રિવેદીને આ અમૃત મહોત્સવમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. સંસ્કૃત વિદુષી ડૉ. કુંજલ ત્રિવેદીએ મંદિરના મહિલા કન્વીનર તરીકે ઋષિકાઓ અને મહિલા સ્ટાફના સમગ્ર આયોજનની જવાબદારી સંભાળી હતી. 45 ડિગ્રી જેટલા પ્રચંડ તાપમાન અને વેકેશનના પડકાર છતાં, તેમના નેતૃત્વમાં 700 થી 800 ઋષિકુમારો અને કન્યાઓએ સતત રિહર્સલ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અગાઉ કડકતી ઠંડીમાં 72 કલાકના મંત્રોચ્ચારમાં પણ સેવા આપનાર ડૉ. ત્રિવેદીએ આ વખતે કુંભાભિષેકની રિમોટ કંટ્રોલ પ્લેટને સુગંધિત પુષ્પોથી શણગારવાની સેવા પણ કરી હતી. તેમણે વાયુસેનાના લેડી કર્નલ સિંધુ સાથે સંસ્કૃતમાં સંવાદ કરી તેમની રાષ્ટ્રસેવાને બિરદાવી હતી.
ભારતીય સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ:
શૌર્ય યાત્રામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પ્રાચીન ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા 20 થી વધુ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા હતા. હમીરસિંહ ગોહિલની પ્રતિમા પાસે સેંકડો અશ્વસવારોએ કેસરીયા ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. ઋષિકુમારોએ શંખનાદ અને શ્લોકગાન સાથે વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિની આસ્થાને ટકાવી રાખવા માટે ઉમદા વિચારો વ્યક્ત કરી પ્રેરક સંદેશો આપ્યો હતો.
કુંભાભિષેક અને જળાભિષેક વિધિ:
સોમનાથ મંદિરના શિખર પર દેશની પવિત્ર નદીઓના જળથી ભરેલા મહાકુંભ સ્થાપિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી અમૃત જળાભિષેક વિધિ ખુલ્લી મૂકી હતી, જેના દ્વારા સમગ્ર મંદિર પર પવિત્ર જળનો અભિષેક થયો હતો. આ સાથે જ મંદિર પરિસરમાં સરદાર પટેલના સંકલ્પથી લઈ વર્તમાન યુગના સ્વર્ણિમ કાળને દર્શાવતી પ્રદર્શની પણ મહાનુભાવોએ નિહાળી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ભવ્ય આયોજનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ડૉ. કુંજલ ત્રિવેદીએ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્સવ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યો હતો.

(12:11 AM IST)