News of Wednesday, 6th May 2026
નર્મદા જિલ્લાએ SSC પરિણામમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો : જિલ્લાનું 90.85 ટકા પરિણામ
રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી વિદ્યાર્થીનીએ સેન્ટર લેવલ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા : ૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ ધોરણ-10 (SSC) બોર્ડ પરીક્ષાના પરિણામોમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પરિણામને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ વર્ષના પરિણામમાં ખાસ કરીને રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીની એ સેન્ટર લેવલ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.પરિણામ જાહેર થતાં જ જિલ્લામાં શાળાઓમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે. વિદ્યાર્થીઓ એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમજ શિક્ષકો દ્વારા પણ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. શાળામાં તો ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, સાથે સાથે શિક્ષકો અને સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહેલા નર્મદા જિલ્લામાં આ પરિણામે સાબિત કર્યું છે કે વિદ્યાર્થીઓ મહેનત અને માર્ગદર્શનના સહારે સતત ઊંચી સિદ્ધિ મેળવી રહ્યા છે. આ સાથે જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા માટે પણ આ એક મોટી સફળતા ગણાઈ રહી છે. નર્મદા જિલ્લાએ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવતા જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
