News of Saturday, 26th September 2026
ત્રણ દિવસની હડતાળના એલાન વચ્ચે કાલે રાષ્ટ્રીયકૃત બેંકો ચાલુ રહેશે
શનિવારની રજાને લીધે બેંકો પાંચ દિવસ બંધ રહેવાની સ્થિતિ ઉભી થઈ હતી

રાજકોટ તા.૨૬: ૨૮, ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બરે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા કરાયેલા હડતાળના એલાન વચ્ચે રવિવારે બેંકો રાબેતા મુજબ ચાલુ રાખવા આદેશ અપાયો છે. કર્મચારીઓ દ્વારા શનિવારે પણ રજા આપવા કરાઈ રહેલી માંગ વચ્ચે કાલે બેંક ચાલુ રાખવાનો પરિપત્ર આવતા ભારે અંસતોષ જોવા મળી રહ્યો છે.
રવિવારે રાષ્ટ્રીયકૃત બેંકો ચાલુ રાખવા બાબતનો પત્ર આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. શનિવાર અને રવિવારની રજા બાદ હડતાળના બીજા ત્રણ દિવસ મળી કુલ પાંચ દિવસ બેંકો બંધ રહેવાની સ્થિતિ નિર્માણ થતી દેખાતા રવિવારે બેંકો ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સાથે પાંચ દિવસ બેંકો બંધ રહે તો બેકિગ વ્યવહારોને ગંભીર અસર થવાની ભીતી હતી. યુનિયનો અને IBA વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત તમામ શનિવારે રજા આપવાની ભલામણ કેન્દ્ર સમક્ષ કરાઈ હતી. આ વ્યવસ્થાના બદલામાં સ્ટાફ દરરોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા સહમત થયો હોવા છતાં સરકારે અંતિમ
મંજૂરી અટકાવી રાખી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસીસ (DFS) દ્વારા લાગુ કરાયેલી પ્રોત્સાહક યોજનામાં તીવ્ર ભેદભાવ છે. જૂની વ્યવસ્થા સમગ્ર બેન્કના પ્રદર્શન પર આધારિત હતી અને મહત્તમ ૧૫ દિવસનું વળતર મળતું હતું. જ્યારે નવી પદ્ધતિમાં માત્ર સ્કેલ-૪થી ૮ના ઉચ્ચ અધિકારીઓને (કુલ કર્મચારીઓના માત્ર પ ટકા વર્ગને) ૩૬૫ દિવસ સુધીના મૂળ પગાર જેટલું જંગી પોત્સાહન અપાતાં ૯૫ ટકા સામાન્ય સ્ટાફ વંચિત રહી જાય છે.(૩૮.૮)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
