<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણીય સંતુલન જાળવવા પ્રાકૃતિક ખેતી સમગ્ર વિશ્વની અનિવાર્ય જરૂરિયાત : લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણીની પ્રેરક ઉપસ્થિતિમાં ICAR ના ડાયરેક્ટર જનરલ અને કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને વેગ આપવા વિસ્તૃત મંથન : ગુજરાતમાં ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સંસ્થાગત રીતે વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) ના ડાયરેક્ટર જનરલ એમ. એલ. જાટ, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ તેમજ કૃષિ વિભાગ અને આત્મા (ATMA) ના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતી માત્ર પ્રદેશ પૂરતી મર્યાદિત નહીં, વૈશ્વિક જરૂરિયાત - રાજ્યપાલ:

બેઠકને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ, દૂષિત હવા-પાણી અને જમીનની સતત ઘટતી જતી ફળદ્રુપતાના ગંભીર પડકારો વચ્ચે પ્રાકૃતિક ખેતી એ હવે માત્ર કોઈ એક પ્રદેશ કે ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. જો આઈ.સી.એ.આર.ના માધ્યમથી આ મિશન વધુ વૈજ્ઞાનિક ઢબે આગળ વધશે, તો દેશનો છેવાડાનો ખેડૂત પણ તેને સરળતાથી અપનાવી શકશે. પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સ્વસ્થ રહે, ધરતી માતા બચે, પાણી અને પર્યાવરણનું રક્ષણ થાય તથા આવનારી પેઢીઓ સુરક્ષિત બને તે છે. આ માટે તેમણે પ્રાકૃતિક કૃષિ માટેની ટ્રેનિંગ (તાલીમ) પર વધુમાં વધુ ધ્યાન આપવા ખાસ સૂચવ્યું હતું.

હિમાચલમાં ૩૫ હજારથી શરૂ થયેલું અભિયાન ૨.૫ લાખે પહોંચ્યું:

પોતાના અનુભવો વહેંચતા રાજ્યપાલજીએ ઉમેર્યું હતું કે, તેઓ જ્યારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેમણે શરૂઆતમાં બે વર્ષમાં ૩૫,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા હતા, જે સંખ્યા હાલની સ્થિતિએ વધીને ૨.૫ લાખથી વધુ થઈ ચૂકી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણીએ પણ આ મિશનનો વ્યાપ વધારવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને રાજ્ય સરકારના તમામ વિભાગોને સાથે મળીને આ મિશનને વધુ વેગવંતુ બનાવવા માટેની તમામ વહીવટી તૈયારીઓ દર્શાવી હતી.

વૈજ્ઞાનિક પુરાવા અને ખેડૂતોની સફળતાની વાર્તાઓનું થશે દસ્તાવેજીકરણ:

બેઠકમાં ICAR ના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, જો પ્રાકૃતિક કૃષિના મિશનને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે જોડવામાં આવશે, તો તેનો વિસ્તાર અત્યંત ઝડપથી થશે. કૃષિ યુનિવર્સિટીઓએ ખેડૂતોની સફળતાની વાર્તાઓ, વિવિધ જમીનના પ્રકાર અને ક્રોપિંગ સિસ્ટમનું યોગ્ય વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવું પડશે, જેથી અન્ય ખેડૂતોનો વિશ્વાસ પણ વધશે. આ સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને અપગ્રેડ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન કડક બની:

બેઠકમાં એ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી લોકોમાં બીમારીઓ વધી રહી છે. જમીનના પોષક તત્વો અને સુક્ષ્મજીવો સીધા માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોવાથી, એગ્રીકલ્ચર અને હેલ્થ સાયન્સને જોડીને પ્રાકૃતિક અન્નની ગુણવત્તાનું ગહન સંશોધન કરવું અનિવાર્ય બન્યું છે. રાસાયણિક ખેતીથી જમીનની નીચે સબ-સોઇલ કૉમ્પેક્શન વધી ગયું છે, એટલે કે જમીન કડક થઈ રહી છે અને પાકના મૂળ નીચે જઈ શકતા નથી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જેમ-જેમ નેચરલ કાર્બન વધે છે, તેમ બલ્ક ડેન્સિટી ઓછી થાય છે અને જમીન વધુ છિદ્રાળુ બને છે.

ગુજરાતમાં યુરિયા અને ડીએપીનો વપરાશ ઘટ્યો:

નોંધનીય બાબત એ છે કે, વર્તમાન સમયમાં ગુજરાતમાં ૮ લાખથી વધુ પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી ચૂક્યા છે. જેના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે અને રાજ્યમાં હજારો મેટ્રિક ટન યુરિયા તેમજ ડીએપી (DAP) જેવા હાનિકારક રાસાયણિક ખાતરોના વપરાશમાં મોટો ઘટાડો નોંધાયો છે.

(6:46 PM IST)