<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નવરાત્રી પંડાલોમાં ગરબાના તાલ અને સૂર સાથે વાહકજન્ય રોગો સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

આફતને અવસરમાં ફેરવવા ટેવાયેલી ગુજરાતની પ્રજાને તહેવારોમાં રોગો સાથે કેવી રીતે જોડી શકાય તે માટે અનોખો પ્રયાસ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા ગરબાના પંડાલોને જનજાગૃતિના અસરકારક માધ્યમ તરીકે ઉપયોગમાં લઈને વાહકજન્ય રોગો અંગે લોકજાગૃતિ કેળવવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ માહિતી, શિક્ષણ અને સંચાર (I.E.C.) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
     અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.બી.કાપડિયા  તથા  જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, આશા કાર્યકરો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો તથા ફીમેલ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારના નવરાત્રી પંડાલોમાં ગરબાના તાલ અને સૂર સાથે વાહકજન્ય રોગો સામે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
   આ પ્રવૃત્તિ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગોના ફેલાવા, તેનાથી બચવાના ઉપાયો તથા રોગ અટકાવવા માટે રાખવાની સાવચેતીઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો, પાણીની ટાંકીઓ અને પાત્રોને ઢાંકીને રાખવાં, અઠવાડિયામાં એક દિવસ સૂકા દિવસની ઉજવણી કરવી, મચ્છરના ઉત્પત્તિસ્થાનોનો નાશ કરવો તથા મચ્છરજન્ય રોગોના લક્ષણો જણાય તો સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેવા અગત્યના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
  નવરાત્રીના ગરબા માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પૂરતા સીમિત ન રહે, પરંતુ સામાજિક જવાબદારી અને આરોગ્ય જાગૃતિના પ્રેરણાસ્રોત બને તેવા આશયથી લોકભાગીદારી આધારિત આ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ગરબાના ઉત્સાહભર્યા વાતાવરણમાં આરોગ્યલક્ષી સંદેશાઓ રજૂ કરીને ગ્રામજનોમાં રોગપ્રતિરોધક વર્તન, સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો અને સ્થાનિક સમુદાયના સહયોગથી હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ વાહકજન્ય રોગોના ફેલાવાને અટકાવવો, લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી વધારવી તથા રોગમુક્ત અને સ્વસ્થ ગ્રામ્ય સમાજના નિર્માણમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
                                  “ગરબાના તાલે જાગૃતિનો નાદ, મચ્છરમુક્ત ગામ એ સૌનો સંકલ્પ.”
                     “સ્વચ્છતા અપનાવીએ, મચ્છરજન્ય રોગો અટકાવીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.”

(7:09 PM IST)