<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ સંપન્ન : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાઆરતી અને ધ્વજારોહણ કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી

અણસરના ૧૫ દિવસ બાદ પ્રભુના નવયૌવન દર્શન અને સોનાવેશનો ભક્તોએ લીધો અદભુત લહાવો : ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત રાજકીય-વહીવટી પાંખના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ મંગલ ઉત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું હતું અને ભગવાન જગન્નાથજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મનોકામના કરી હતી. આ પ્રસંગે ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.

પ્રભુના નવયૌવન દર્શન અને પરંપરાગત નેત્રોત્સવ વિધિ:
શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર, અણસરના ૧૫ દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને નિજ મંદિરે પરત પધારેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના તેજસ્વી સ્વરૂપના ભક્તોને 'નવયૌવન દર્શન' થયા હતા. ગર્ભગૃહમાં પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે ભગવાનને ભવ્ય અને અલૌકિક 'સોનાવેશ' (વિશેષ શણગાર) ધારણ કરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને હજારો ભાવિકો ધન્ય બન્યા હતા. ધ્વજારોહણની ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના તમામ મહાનુભાવોએ ભગવાનની ભવ્ય મહાઆરતીમાં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા.

મજબૂત સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી સાથે સુદ્રઢ આયોજન:
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નીકળતી રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની અપાર આસ્થાનું કેન્દ્ર છે. આ ૧૪૯મી રથયાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી પર આધારિત નવીન ડિજિટલ પ્રકલ્પો અને સોશિયલ પોલીસિંગ જેવા નવતર પ્રયોગો હાથ ધરીને તમામ આનુષંગિક વહીવટી અને સુરક્ષા વિષયક તૈયારીઓ આખરી ઓપ આપી સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.

ધાર્મિક મહોત્સવમાં રાજકીય અને વહીવટી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ:
જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે આયોજિત ધ્વજારોહણ, નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીના આ પાવન પ્રસંગે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ધારાસભ્યો અમિતભાઈ શાહ, કૌશિકભાઈ જૈન, દિનેશસિંહ કુશવાહ, અમૂલભાઈ ભટ્ટ અને હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ હાજરી આપી હતી. વહીવટી પાંખમાંથી મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓએ તમામ અગ્રણીઓનું સ્વાગત કર્યું હતું અને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો.

(1:26 PM IST)