News of Friday, 26th June 2026
વસ્તી આધારિત નવા સીમાંકન અને મહિલા અનામતના સંયુક્ત અમલથી ગુજરાતના રાજકીય માળખામાં ૧૯૭૫ પછીના સૌથી મોટા અને ઐતિહાસિક ફેરફારો થવાના મજબૂત સંકેતો : લોકસભાની બેઠકો ૪૦ થવાનો અંદાજ : અમદાવાદ અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં નવી લોકસભા બેઠકો અસ્તિત્વમાં આવશે
સંસદ દ્વારા પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમથી રાજ્ય વિધાનસભાની સંભવિત ૨૭૩ બેઠકોમાંથી ૯૧ બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર થશે : ભૌગોલિક સરહદો બદલાતા વર્ષો જૂના સ્થાનિક જ્ઞાતિ આધારિત પરંપરાગત રાજકારણનો અંત આવશે : સંગઠનોની થશે કસોટી

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં એક મોટો સામાજિક અને ભૌગોલિક પલટો આવવા જઈ રહ્યો છે. દેશમાં યોજાનારી નવી વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સરહદો નક્કી કરવા માટે સીમાંકનની પ્રક્રિયા શરૂ થાય તેવી વહીવટી સ્તરે ગણતરીઓ માંડવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અને મહિલા અનામતના કાયદાના કારણે રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. શહેરીકરણના વેગ અને વસ્તીના આંતરિક સ્થળાંતરના કારણે હાલના અનેક વિસ્તારોમાં મતદારોનું ભારણ અસાધારણ રીતે વધી ગયું છે, જેને સંતુલિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નવા મતવિસ્તારોની ભૌગોલિક સીમાઓ આંકવા માટેની આંતરિક તૈયારીઓ શરૂ થઈ હોવાની વ્યાપક ચર્ચા રાજકીય આલમમાં જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતના રાજકીય માળખામાં ૧૯૭૫ પછીના સૌથી મોટા અને ઐતિહાસિક ફેરફારો થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે.
લોકસભાની બેઠકો ૨૬થી વધીને ૪૦ અને વિધાનસભાની બેઠકો ૨૭૩ થવાની સંભાવના:
હાલના તબક્કે ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો આવેલી છે. વસ્તીના નવા આંકડા અને મતદારોની સંખ્યાના આધારે તૈયાર કરવામાં આવેલા વિવિધ સંભવિત અંદાજો મુજબ, આગામી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યા વધીને ૩૯ અથવા ૪૦ સુધી પહોંચી શકે છે. આ જ ગણતરી પ્રમાણે, ગુજરાત વિધાનસભાની હાલની ૧૮૨ બેઠકોમાં અંદાજે ૯૧ બેઠકોનો મોટો વધારો થઈ શકે છે, જેને પગલે કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા ૨૭૩ થઈ જવાની પ્રબળ સંભાવના છે. જો કે, આ તમામ આંકડા અત્યારે સંભવિત રાજકીય ગણતરીઓ પર આધારિત છે અને તેનો આખરી નિર્ણય સંસદની મંજૂરી, સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા અને સીમાંકન પંચની આખરી ભલામણો બાદ જ જાહેર કરવામાં આવશે.
મતદારોની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચતા સીમાંકન અનિવાર્ય બન્યું:
વર્ષ ૨૦૨૪માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૪.૯૯ કરોડથી વધુ થઈ ચૂક્યા હતા. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી અને રાજકોટ જેવા શહેરી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં અનેક લોકસભા મતવિસ્તારો એવા છે જ્યાં મતદારોની સંખ્યા ૨૦ લાખની સપાટીને વટાવી ગઈ છે. ભવિષ્યમાં લોકશાહીના યોગ્ય પ્રતિનિધિત્વ માટે એક લોકસભા બેઠક દીઠ ૧૨થી ૧૫ લાખ મતદારોનું નવું સરેરાશ માપદંડ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. નવા સીમાંકન વખતે દરેક બેઠક પર વસ્તીનું સંતુલન જાળવવું, જિલ્લાઓ અને તાલુકાઓની ભૌગોલિક સાતત્યતા જાળવવી, શહેરી-ગ્રામ્ય વસ્તીનો વધારો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની અનામત બેઠકોના રોટેશન જેવા અત્યંત મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે.
જિલ્લાવાર વિધાનસભા બેઠકોમાં સંભવિત મોટો ફેરફાર:
નવા સીમાંકનની સંભવિત ગણતરી મુજબ, સૌથી મોટો ફેરફાર અમદાવાદ જિલ્લામાં જોવા મળી શકે છે. અમદાવાદ જિલ્લાની હાલની ૨૧ વિધાનસભા બેઠકો વધીને ૨૯ થવાનો અંદાજ છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર સુરત જિલ્લાની બેઠકો ૧૬થી વધીને ૧૮ થઈ શકે છે. અન્ય જિલ્લાઓની સંભવિત સ્થિતિ જોઈએ તો વડોદરામાં ૧૦ બેઠકો, બનાસકાંઠામાં ૮ બેઠકો, રાજકોટમાં ૮ બેઠકો, મહેસાણામાં ૭ બેઠકો, આણંદમાં ૭ બેઠકો, ભાવનગરમાં ૭ બેઠકો, કચ્છમાં ૬ બેઠકો, ખેડામાં ૬ બેઠકો, દાહોદમાં ૬ બેઠકો, ગાંધીનગરમાં ૫ બેઠકો, પંચમહાલમાં ૫ બેઠકો, ભરૂચમાં ૫ બેઠકો, વલસાડમાં ૫ બેઠકો, અમરેલીમાં ૫ બેઠકો અને સુરેન્દ્રનગરમાં ૫ બેઠકો થવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, સીમાંકન પંચની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ આંકડાઓ આખરી ગણાશે.
અમદાવાદ અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં નવી લોકસભા બેઠકો અસ્તિત્વમાં આવશે:
હાલમાં અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે લોકસભા બેઠકો છે, જેમાં કુલ ૩૭ લાખથી વધુ મતદારો હોવાથી આગામી સમયમાં અમદાવાદને ત્રીજી નવી લોકસભા બેઠક મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવી બેઠક અંતર્ગત પશ્ચિમ, પૂર્વ અને બાહ્ય શહેરી વિસ્તારોનું નવું વિભાજન થશે અને સાણંદ, દસ્ક્રોઈ તેમજ બાવળાની ભૌગોલિક સ્થિતિ બદલાશે. ૨૧ લાખથી વધુ મતદારો ધરાવતા ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પણ ભૌગોલિક વિભાજન કરીને ગાંધીનગર, કલોલ, દહેગામ અને ઉત્તર અમદાવાદના વિસ્તારોને જોડી નવી બેઠક બની શકે છે. આ જ પ્રમાણે, રાજકોટ લોકસભા બેઠકમાં પણ ૨૧ લાખથી વધુ મતદારો હોવાથી રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારને સંપૂર્ણ અલગ કરીને નવી લોકસભા બેઠક રચાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં તીવ્ર સ્થળાંતર અને ઉદ્યોગોના વિકાસના કારણે બેઠકોની વહેંચણી અને અદલાબદલી પણે થશે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વસ્તીના આધારે નવા સમીકરણો રચાશે.
નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ વિધાનસભામાં ૯૧ બેઠકો મહિલાઓ માટે અનામત બનશે:
સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદ દ્વારા પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ મુજબ, લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી ફરજિયાત છે. આ કાયદો નવી વસ્તી ગણતરી અને સીમાંકન બાદ જ જમીની સ્તરે લાગુ થવાનો છે. જો ગુજરાત વિધાનસભાની બેઠકો વધીને ૨૭૩ થશે, તો ૩૩ ટકા લેખે અંદાજે ૯૧ જેટલી બેઠકો સીધી મહિલા લોકપ્રતિનિધિઓ માટે અનામત જાહેર થઈ જશે. જો બેઠકો ૧૮૨ જ રહે તો આ સંખ્યા ૬૦ ની આસપાસ થાય છે. મહિલા અનામત રોટેશન પદ્ધતિથી લાગુ થવાની હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોના પ્રભાવશાળી અને દિગ્ગજ પુરુષ નેતાઓની પરંપરાગત સેઈફ ગણાતી બેઠકો મહિલા અનામત શ્રેણીમાં જતી રહેશે, જેના કારણે નેતાઓએ નજીકના અન્ય મતવિસ્તારો શોધવા પડશે અથવા નવા મહિલા ચહેરાઓ તૈયાર કરવા પડશે.
જ્ઞાતિ આધારિત પરંપરાગત રાજકારણનો અંત આવશે, સંગઠનોની કસોટી થશે:
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી પાટીદાર, ઓબીસી, આદિવાસી, દલિત, ક્ષત્રિય અને લઘુમતી મતદારોનું પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણ બહુ મોટો ભાગ ભજવતું આવ્યું છે. પરંતુ સીમાંકન હેઠળ જ્યારે ગામો, વોર્ડ અને તાલુકાઓની સીમાઓ બદલાશે ત્યારે મતવિસ્તારોની જૂની સામાજિક રચનાઓ સંપૂર્ણપણે તૂટી જશે. રાજકીય પક્ષોએ જ્ઞાતિ કાર્ડ રમવાના બદલે મહિલા નેતૃત્વ અને નવી ભૌગોલિક વાસ્તવિકતા સ્વીકારવી પડશે. સત્તાધારી પક્ષ ભાજપ પાસે મોટું પેજ સમિતિનું નેટવર્ક અને સક્રિય મહિલા મોરચો હોવાથી તેને સંગઠનાત્મક લાભ મળી શકે છે, તો બીજી તરફ નવી બેઠકો અસ્તિત્વમાં આવવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા વિપક્ષો માટે પણ નવું મેદાન તૈયાર થશે. એકંદરે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગુજરાતના ભવિષ્યના રાજકારણની એક તદ્દન નવી દિશા નક્કી થશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
