તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 24th September 2026
ઔદ્યોગિક પ્રગતિને નવી પાંખો : ગાંધીનગરમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં નવા શ્રમ કાયદા અંગે યોજાયો જાગૃતિ કાર્યક્રમ
૨૯ જૂના કાયદાના સ્થાને ચાર નવા લેબર કોડ્સ શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અને ઉદ્યોગોના વિકાસને આપશે નવી ઝડપઃ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને શ્રમ સચિવ લોચન સહેરાની ઉપસ્થિતિ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજ્યમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ અને શ્રમિકોના કલ્યાણ માટે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તથા રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તૈયાર કરાયેલા નવા કાયદાઓમાં શ્રમિકોની સલામતી, વેતન અને સામાજિક સુરક્ષા પર ભાર મૂકાયો છે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ઉદ્યોગ અને શ્રમિકોને એક સિક્કાની બે બાજુ ગણાવી પરસ્પર સંવાદ અને સહકાર પર ભાર મૂક્યો હતો.
શ્રમ સચિવ લોચન સહેરાએ જણાવ્યું કે જૂના ૨૯ કાયદાઓને બદલે ચાર નવા લેબર કોડ્સ અમલી બનાવાયા છે, જેમાં તમામ સેવાઓ ઓનલાઇન પોર્ટલ પર લવાશે. તેમણે ઉમેર્યું કે શ્રમિકોના કૌશલ્ય વર્ધન માટે 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' શરૂ કરાયું છે અને 'પીએમ-સેતુ' યોજના હેઠળ આઈટીઆઈને આધુનિક બનાવાઈ રહી છે. આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી. કારિયા સહિતના અધિકારીઓ તથા ઇન્ડસ્ટ્રી એસોશિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
