<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

સનાથલ પોલીસનું નાઈટ કોમ્બિંગ: અમદાવાદ ગ્રામ્યમાં રાત્રે સઘન ચેકિંગ, અનેક વાહનો ડિટેઈન

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કડક બનાવવા સનાથલ પોલીસે રાત્રિ કોમ્બિંગ હાથ ધર્યું, શંકાસ્પદ ઇસમો અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી

સનાથલ : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા સનાથલ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાત્રિના સમયે મુખ્ય રસ્તાઓ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે નંબર પ્લેટ વગરના, શંકાસ્પદ હાલતમાં ફરતા અને દસ્તાવેજો ન ધરાવતા વાહનો ડિટેઈન કર્યા છે. રાત્રિ દરમિયાન બિનજરૂરી ફરતા ઇસમોની પૂછપરછ કરી તેમના વાહનોના કાગળો તપાસવામાં આવ્યા હતા. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સનાથલ પોલીસ સ્ટેશન હદમાં આવતા હાઈવે, ઔદ્યોગિક વિસ્તારો અને ગ્રામ્ય માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે આ પ્રકારના નાઈટ કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રિ ગુનાઓ પર અંકુશ આવશે. લોકોને રાત્રે બહાર નીકળતી વખતે વાહનના તમામ દસ્તાવેજો સાથે રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે.

(5:00 PM IST)