News of Thursday, 21st May 2026
ધોરણ ૧ થી ૮માં હવે પાસ કે નાપાસ નહીં?
નવી શિક્ષણ નીતિ હેઠળ મોટો બદલાવઃ હવે સર્વાંગી મૂલ્યાંકન આધારિત પરિણામપત્રક અપાશે : ધોરણ ૧થી ૮ના પરિણામપત્રકમાં ફેરફારની વિચારણાઃ રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરી તમામ તૈયારીઓ

અમદાવાદ,તા.૨૧: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ ૧ થી ૮ ના પરિણામપત્રક (Report Card) ના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે અને તે આધારે જ નવું પરિણામપત્રક તૈયાર કરીને આપવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ નવી પ્રણાલીને અમલમાં મૂકવા માટેની તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નવો નિર્ણય વિદ્યાર્થીઓ પરથી પરીક્ષા અને પરિણામનું માનસિક દબાણ ઘટાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવી રહ્યો હોવાનું મનાય છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગમે ત્યારે કરવામાં આવી શકે છે, જેને પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ માળખામાં એક મોટો વહીવટી અને શૈક્ષણિક સુધારો જોવા મળશે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
