<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

હવે પર્વતો બનશે હરિયાળા: બનાસ ડેરી દ્વારા 'અરાવલી ગ્રીન વોલ' અભિયાનનો પ્રારંભ:ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલનું વાવેતર

આ 3 દિવસીય અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ

બનાસકાંઠાના પર્વતોને ફરીથી હરિયાળા બનાવવાના ઉમદા લક્ષ્ય સાથે બનાસ ડેરી દ્વારા આયોજિત 'અરાવલી ગ્રીન વોલ' અભિયાનનો આજથી અનોખો પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી નજીક આવેલા પાન્છા ખાતે સતત 6ઠ્ઠા વર્ષે આ હરિત યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. આ 3 દિવસીય અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ દૂધ સહકારી મંડળીઓના સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

 

પાન્છા અને અંબાજીની આસપાસની વેરાન ડુંગરીઓને હરિયાળી બનાવવા માટે બનાસ ડેરીએ અત્યાધુનિક આયોજન કર્યું છે. આ અભિયાન માટે 8 જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે પર્વતીય જંગલ વિસ્તારોમાં સીડ બોલનું વિતરણ કરી રહી છે. ખાસ કરીને જે ઊંડાણવાળા અને દુર્ગમ વિસ્તારોમાં મનુષ્યનું પહોંચવું અઘરું છે, ત્યાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે. આ આધુનિક અભિગમથી પર્વતોના દરેક ખૂણા સુધી વૃક્ષોના બીજ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

 

આ અભિયાનમાં પર્યાવરણને અનુકૂળ એવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં છાણામાંથી ખાસ પ્રકારના દડા (સીડ બોલ) બનાવવામાં આવ્યા છે. આ બોલની અંદર વિવિધ પ્રકારના વૃક્ષોના બીજ મૂકવામાં આવ્યા છે, જે વરસાદની શરૂઆત થતાની સાથે જ કુદરતી રીતે અંકુરિત થઈને ઉગી નીકળશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલું આ અભિયાન માત્ર એક વૃક્ષારોપણ નથી, પરંતુ ભવિષ્યની પેઢી માટે એક હરિયાળી વિરાસત છે. વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને કરાયેલું આ આયોજન અંબાજી પંથકના કુદરતી સૌંદર્યમાં ચોક્કસપણે અનેકગણો વધારો કરશે.

(1:04 PM IST)