News of Thursday, 9th July 2026
હવે પાલતું બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત :અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય
અત્યાર સુધી માત્ર શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, હવે AMCના CNCD વિભાગે નવી નોટિસ જાહેર કરીને પાલતુ બિલાડીઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ રાખતા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, પરંતુ હવે AMCના CNCD વિભાગે નવી નોટિસ જાહેર કરીને પાલતુ બિલાડીઓ (પેટ કેટ) માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે.
આ નિર્ણય કેન્દ્ર સરકારના ABC નિયમ-2023 અને NAPRE-2030 અંતર્ગત લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ પ્રાણીઓની ગણતરી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
AMC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી મુજબ, શ્વાન માલિકોએ વાર્ષિક 2000 રૂપિયા અને બિલાડીના માલિકોએ 200 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ આપવામાં આવી છે.
જે નાગરિકો નિયત સમયમર્યાદામાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેમની સામે પાલિકાના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે.
અરજી કરતી વખતે નાગરિકોએ પોતાની ઓળખના પુરાવા તરીકે વર્તમાન રહેઠાણનું સરનામું, પાલતુ પ્રાણીનો સ્પષ્ટ ફોટો અને તેનું વેક્સિનેશન (રસીકરણ) કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે.
આ પ્રક્રિયાથી શહેરમાં રહેતા પાલતુ પ્રાણીઓનો ડેટાબેઝ તૈયાર થશે, જેનાથી રસીકરણની સ્થિતિ અને સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવી સરળ બનશે. જેની નોંધણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી ફી ચુકવી, વિગતો ભરી, પુરાવા સબમીટ કરી નોંધણી કરાવવાની રહેશે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
