<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દિવાળી ટાણે સુરતના ૧૦ લાખ રત્નકલાકારોના હક્ક માટે બુલંદ અવાજ: બોનસ અને ઓવરટાઇમ ચુકવવાની માગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર

હીરા ઉદ્યોગમાં રિયલ, લેબગ્રોન અને CVD ડાયમંડની માંગ વધતાં કામકાજ તેજ: મજૂર કાયદા મુજબ લાભો ન આપતી કંપનીઓ સામે કડક પગલાં લેવાની ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી

સુરત : પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતના વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો રત્નકલાકારોના આર્થિક હક્કો માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મોટો મોરચો મંડાયો છે. શહેરના આશરે ૧૦ લાખ જેટલા રત્નકલાકારોને નિયમ મુજબ ઓવરટાઇમ તેમજ બોનસની ચુકવણી કરવામાં આવે તે માટે યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ લેબર વિભાગના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી સઘન તપાસ કરવાની કડક રજૂઆત કરવામાં આવી છે.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરતના હીરા ક્ષેત્રમાં આશરે ૮ થી ૧૦ લાખ રત્નકલાકારો દિવસ-રાત મહેનત કરીને કારખાના ધમધમાવી રહ્યા છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રિયલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અને સીવીડી (CVD) ડાયમંડની માંગમાં થોડો સુધારો જોવા મળ્યો છે અને કામકાજની મુવમેન્ટ શરૂ થઈ છે. જેને પગલે અનેક હીરા કંપનીઓ દ્વારા રત્નકલાકારો પાસે નિર્ધારિત કલાકો કરતા વધુ સમય એટલે કે ઓવરટાઇમ કામ કરાવવામાં આવી રહ્યું છે.

કાયદાકીય જોગવાઈઓ તરફ ધ્યાન દોરતાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે, મજૂર કાયદા (Labour Laws) મુજબ વધારાનું કામ કરાવતી કંપનીઓએ કર્મચારીઓને નિયમાનુસાર ઓવરટાઇમનું ભથ્થું અને દિવાળીનું વાર્ષિક બોનસ ચુકવવું કાયદાકીય રીતે ફરજિયાત છે. પાલિકા અને શ્રમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત શહેરની હીરા કંપનીઓમાં સ્થળ પર જઈને તપાસ ચલાવવામાં આવે કે રત્નકલાકારોને તેમનો પૂરતો હક્ક મળે છે કે નહીં.

આવેદનપત્રમાં યુનિયન દ્વારા આકરા શબ્દોમાં માગણી કરવામાં આવી છે કે જો તપાસ દરમિયાન કોઈ પણ હીરા કંપની રત્નકલાકારોને કાયદા મુજબનું બોનસ કે ઓવરટાઇમનો પગાર ચુકવવામાં આનાકાની કરતી કે બેદરકારી દાખવતી માલૂમ પડે, તો તેવી કંપનીઓ અને સંચાલકો સામે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.

દિવાળી પહેલાં રત્નકલાકારોના પરિવારોમાં રોજીરોટી અને કાયદેસરના લાભો સમયસર મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જો અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને રત્નકલાકારોને તેમનો હક્ક નહીં અપાવવામાં આવે, તો આગામી દિવસોમાં આ મુદ્દે રત્નકલાકારોના હિતમાં લડત વધુ સઘન બનાવવાની ચિમકી પણ યુનિયન દ્વારા આપવામાં આવી છે.

(6:51 PM IST)