<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

નમો સ્વચ્છતા અભિયાનના પાંચમા દિવસે રાજ્યની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં વ્યાપક સફાઈ ઝુંબેશ : ૫૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ અને ૧૪ હજારથી વધુનો સ્થળ પર નિકાલ

પાંચ દિવસમાં કુલ ૫.૧૧ લાખથી વધુ ભંગાર વસ્તુઓ ચિહ્નિત કરી ૪૬ હજારથી વધુનો નિકાલ કરાયો, ૧,૫૧૨ ઓરડાઓ ખાલી થતાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગમાં લેવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલું મહાઅભિયાન ૭ જુલાઈ સુધી ચાલશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત આજે પાંચમા દિવસે પણ રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે શરૂ કરાયેલા આ અભિયાનના પરિણામે સરકારી હોસ્પિટલોનો કાયાકલ્પ થઈ રહ્યો છે.

પાંચમા દિવસની કામગીરી અને ઓરડાઓ ખાલી થયા:

અભિયાનના પાંચમા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૫૮,૫૯૪ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી ૧૪,૩૯૦ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે હોસ્પિટલ પરિસરોના વધુ ૧૬ ઓરડાઓ ખાલી થયા છે, જેનો આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગ કરી શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે. તદુપરાંત, આજે એક જ દિવસમાં અંદાજે ૬૮૪ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે લાકડા અને લોખંડનું ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ કે આઈટી ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.

પાંચ દિવસનો એકંદર અહેવાલ:

આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી પાંચ દિવસમાં કુલ ૫,૧૧,૨૨૧ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. જે પૈકી કુલ ૪૬,૫૫૫ થી વધુ વસ્તુઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧,૫૧૨ જેટલા ઓરડાઓ હવે ઉપયોગ કરવા યોગ્ય બન્યા છે. આ ઉપરાંત અંદાજે ૧૦,૧૬૫ જેટલું લાકડા અને લોખંડનું ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ કે આઈટી ઉપકરણો અને તબીબી ઉપકરણોનું રીપેરિંગ કરવામાં આવ્યું છે.

દર્દીઓની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ અગ્રતા:

આ સઘન અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એટલે કે ચેપ નિયંત્રણ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આ "નમો સ્વચ્છતા અભિયાન"નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સફાઈ મહાઅભિયાન ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી નિરંતર ચાલશે.

(7:39 PM IST)