News of Tuesday, 24th November 2026
નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવ દિવાળીના પર્વે સવા લાખ દીવડાઓ પ્રગટાવાયા: દીપમાળાઓની રોશનીથી મંદિર ઝળહળ્યું
મંદિર, શિખર, પરિસર અને આસપાસનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો: ભવ્ય આતશબાજી સાથેઆ અલૌકિક નજારાને નિહાળવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

ખેડા જિલ્લાના નડિયાદમાં દેવ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં આવેલા પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં દેવ દિવાળીની સંધ્યાએ સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. હજારો દીવડાઓની રોશની અને ભવ્ય આતશબાજીએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અલૌકિક નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા.
દેવ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે નડિયાદના સંતરામ મંદિરમાં વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે એકસાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા મંદિરનો નજારો અદ્ભુત બની ગયો હતો. મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસર અને આગળના સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ સજાવવામાં આવી હતી
તેલ, ઘી અને મીણના દીવડાઓની રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. ચારે તરફ દીવડાઓની રોશની અને ભક્તિમય વાતાવરણ વચ્ચે દેવ દિવાળીની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
સંતરામ મંદિરમાં દીપોત્સવની સાથે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં રંગબેરંગી આતશબાજી અને મંદિર પરિસરમાં ઝળહળતી દીપમાળાઓએ ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. આ અદ્ભુત નજારો જોવા માટે માત્ર નડિયાદ જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ દીપોત્સવના આ અલૌકિક દૃશ્યોને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા.
શ્રી સંતરામ મંદિરમાં દેવ દિવાળીના પર્વે સવા લાખ દીવડાઓ પ્રગટાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રી સંતરામ મહારાજ અહીં અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. વર્ષો પહેલાં મહારાજે સમાધિ લીધી ત્યારે તેમની ઊર્જાથી અહીં દીવાઓ પ્રગટેલા હોવાની માન્યતા છે
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
